
હોમો સેપીયન્સ એટલે કે મનુષ્ય હોવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સમજણા થયા પછી આપણે દરેક પરીસ્થિતિને, વ્યક્તિને કે કાર્યને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ. પરીસ્થિતિને આપણે સતત કાબુમાં રાખવાની કુદરતી વૃત્તિ ધરાવતા આવ્યા છીએ. આપણા કહ્યા, ધાર્યા કે ઈચ્છ્યા પ્રમાણે જો કશુંક ન થાય, તો એ પરિણામ આપણને ક્રોધ, ભય, ચિંતા કે નિરાશા તરફ લઈ જાય છે.
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસે એક વાત તો સાબિત કરી આપી કે કશું પણ આપણા કાબુમાં નથી. આપણે શ્વાસમાં જે લઈ રહ્યા છીએ, એ હવા પણ નહીં. ૦.૧૨ માઈક્રોનની સાઈઝ ધરાવતું એક અતિ સુક્ષ્મ જીવાણું જે નરી આંખે જોઈ પણ નથી શકાતું, એણે આપણને સમજાવી દીધું છે કે આપણા કંટ્રોલમાં કશું જ નથી. કોરોનાએ ખરેખર આપણને વિચારતા કરી દીધા છે કે કુદરતી સંકટો સામે આપણી ઈચ્છાઓ કે આયોજનો ‘પત્તાના મહેલ’ની જેમ ધરાશાયી થઈ જાય છે. આ જીવન બહારની પરીસ્થિતિઓ અને પરિબળો પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું પોતાનું શરીર જ આપણા કાબુમાં નથી. આપણા આંતરડાની ગતિ (પેરીસ્ટાલસીસ) અને હ્રદયના ધબકારા પણ આપણા કહ્યામાં નથી હોતા અને આપણે આજીવન વ્યર્થ પ્રયત્ન કર્યા કરીએ છીએ સંજોગો અને સમય ઉપર કાબુ મેળવવાના. આપણો સંપૂર્ણ કાબુ ફક્ત એક જ વસ્તુ પર હોય છે અને એ છે આપણો અભિગમ.
આપણે ધારીએ તો આ ‘આઉટ ઓફ કંટ્રોલ’ પરીસ્થિતિમાં પણ તક શોધી શકીએ છીએ. બહારની કોઈપણ પરીસ્થિતિ પર આપણો કંટ્રોલ નથી, એ વાત જે ક્ષણે આપણે સ્વીકારી લઈએ છીએ, એ જ ક્ષણે આપણે શક્તિશાળી બની જઈએ છીએ. કારણકે એ સ્વીકાર્યા પછી જ આપણે એ પરીસ્થિતિમાં પોઝીટીવ્સ શોધવા લાગીએ છીએ. આપણે દરેકે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરવાની છે કે ‘હે ઈશ્વર, જે સંજોગો મારા કાબુમાં નથી, એને સ્વીકારવાની ઉદારતા આપજે. જે મારા કાબુમાં છે, એને બદલી શકવાની શક્તિ આપજે. અને આ બંને વચ્ચેનો તફાવત સમજી શકું, એટલી સમજણ આપજે.’
જે ક્ષણે આપણને એ વાતની પ્રતીતિ થાય છે કે બાહ્ય સંજોગો આપણે બદલી શકવાના નથી, એ જ ક્ષણથી આપણે આપણી જાતને બદલવાની શરૂઆત કરી દઈએ છીએ. સંકટનો પર્યાય છે શક્યતા. ‘ક્રાઈસીસ’ કે ‘સંકટ’ લખવા માટે ચાઈનીઝ ભાષામાં બે સંજ્ઞા વપરાય છે. એકનો અર્થ છે ખતરો. અને બીજો અર્થ છે તક. સંકટ જેટલું મોટું, તેમાં રહેલી શક્યતા એટલી વધારે. દરેક સંકટ એક પરિવર્તન તરફ ઈશારો કરે છે. એક એવો નિર્ણય જે લેવા માટે આ બ્રમ્હાંડ આપણને મજબૂર કરી રહ્યું છે. અને ન છૂટકે લીધેલો એ નિર્ણય આપણા વિકાસ માટે મહત્વનો હોય છે. આને ‘નેચર્સ વિઝડમ’ કહેવાય છે.
આપણી કાબુ બહાર રહેલી પરીસ્થિતિ સામે લડવાની કે તેને બદલવાની આપણે જેટલી કોશિશ કરીએ છીએ, એટલા વધારે હેરાન અને દુઃખી થતા જઈએ છીએ. કારણકે આપણે એક એવી શક્તિ સામે લડી રહ્યા હોઈએ છીએ, જે આપણા કરતા અનેકગણી સુપીરીયર છે. એમાંથી બચવાનો એક જ રસ્તો છે. સમર્પણ.
-ડૉ. નિમિત્ત ઓઝા