એક ભૂરું ટપકું

‘ચંદ્રની સપાટી પર ઉભા રહીને જ્યારે મેં દૂરથી પહેલીવાર પૃથ્વીને જોઈ, ત્યારે હું ખૂબ રડેલો.’ આ કબૂલાત હતી અમેરિકાના સૌથી પહેલા અવકાશયાત્રી એલન શેફર્ડની. આવા જ એક અન્ય અવકાશયાત્રી જેમ્સ ઈરવીને પોતાની આત્મકથામાં પૃથ્વી વિશે લખ્યું છે કે ‘અવકાશમાંથી પૃથ્વી બહુ સુંદર લાગે છે. નાજુક, નમણી અને રૂપાળી કોઈ સ્ત્રી જેવી. એટલી ડેલીકેટ કે હાથ લગાડશું તો કરમાઈ જશે.’  અનંત અવકાશમાં વિહાર કરી ચુકેલા દરેક અવકાશયાત્રીનું આવું જ કહેવું છે કે અવકાશમાંથી પૃથ્વીને જોયા પછી આજીવન તમને ફક્ત એક જ વાત યાદ રહેશે કે આઘે-આઘે દેખાતું પેલું ઝાંખું ભૂરું ટપકું આપણું ઘર છે. આપણું પ્લેનેટ-અર્થ.

આ ઘટનાને સ્પેસ-સાયન્સની ભાષામાં ‘ધ ઓવરવ્યુ ઈફેક્ટ’ કહેવાય છે. પૃથ્વીથી આપણે જેટલા દૂર અને ઉપર જતા જઈએ, એટલી આપણી સમજણ અને એકતાની ભાવના વધતી જાય. કરોડો કિલોમીટર દૂરથી પૃથ્વીને કોઈ ભૂરા ટપકાના કદ જેટલી જોઈએ ત્યારે રીયલાઈઝ થાય કે આપણું ઘર કેટલું નાનું છે. અને આ જ ઘરની આપણે શું હાલત કરી નાખી છે ! જાતિ, ધર્મ, નાગરિકતા, રેસિઝમ, કાળા-ગોરા, ઉંચા-નીંચા, સવર્ણ-પછાત, સ્પૃશ્ય-અસ્પૃશ્ય અને આવા અસંખ્ય વિભાગોમાં આટલા નાનકડા ઘરને આપણે વિભાજીત કરી નાખ્યું છે. આ જ ઘરની અંદર આપણે નફરત ફેલાવીએ છીએ, હુલ્લડો કરીએ છીએ, હિંસા ફેલાવીએ છીએ અને બ્રમ્હાંડના એક સુંદર અને કોમળ સર્જનને નષ્ટ કરી દેવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ, કે આપણે શહેર, ગલી કે એરિયામાં નહીં, આપણા પોતાના જ ઘરમાં આગ લગાડી રહ્યા છીએ.

આ એ જ ઘર છે જેને હિટલર અને સ્ટેલીન જેવા શાસકોએ બરબાદ કરવાનો પ્રયત્ન કરેલો. આ એ જ ઘર છે જેને મહાત્મા ગાંધી, મધર ટેરેસા અને નેલસન મંડેલા જેવા શાંતિદૂતોએ બચાવવાનો પ્રયત્ન કરેલો. આ એ જ ઘર છે, જેમાં આપણે કોમવાદ અને બ્લેમ-ગેમ રમીએ છીએ. આખા વિશ્વની સુંદરતા માણવાને બદલે કોઈ એક ઓરડા પર માલિકી જતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી દ્રષ્ટિ અને વિચારો એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે કોઈ બીજા ઓરડામાં લાગેલી આગને ટીવી પર નિહાળીને આપણે પોતે સુરક્ષિત હોવાનો ભ્રામક અહેસાસ કરી રહ્યા છીએ. ઈર્ષા, નફરત અને દોષારોપણની ધાર કાઢવામાં આપણે એટલા બધા બીઝી થઈ ગયા છીએ કે આપણને એ વાતનો ખ્યાલ જ નથી રહ્યો કે આપણી સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ છે. કોરોનાએ એક વાત સાબિત કરી આપી છે કે સરહદોથી ભલે વિભાજીત હોઈએ, આ હવાથી આપણે કનેક્ટેડ છીએ. ભૂરા ટપકામાં વસતા બધા સજીવો એકબીજા સાથે જોડાયેલા છે.

ઘરના સભ્યો વચ્ચે ગમે તેટલા આંતરિક મતભેદો હોય પણ બહારની કોઈ વ્યક્તિનું આક્રમણ થાય તો જે રીતે આપણે એક થઈ જઈએ છીએ, એ જ રીતે કોરોનાએ આપણને એક થવાનો ચાન્સ આપ્યો છે. જો એક નહીં થઈએ તો ભૂંસાઈ જશું, ભૂલાઈ જશું. બ્રમ્હાંડની અનંત ટાઈમ-લાઈન પર આપણું અસ્તિત્વ ધૂળની એક રજકણ જેટલું પણ નથી. શેનો અહંકાર ? શેનો ઘમંડ ? જો ઈંટો વચ્ચે સંપ નહીં હોય, તો દીવાલમાં તિરાડો પડશે જ. જોડાયેલા રહેશું તો ઘરમાં રહેશું, નહીં તો કાટમાળમાં.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: