
નગ્નતા. આંખો બંધ કરીને વિચારીએ તો ખ્યાલ આવશે કે આ પૃથ્વી પર આપણી આ સુંદર યાત્રાની શરૂઆત આપણે નગ્નતા સાથે કરેલી. એ સમયે આપણા પોતાના શ્વાસ સિવાય બીજું કશું જ આપણી પાસે નહોતું. કોઈ પઝેશન્સ નહીં, કોઈ સંપત્તિ નહીં. ન તો કોઈ નોકરી, ન કોઈ આર્થિક સલામતી. ક્યારેક મુઠ્ઠીઓ વાળવાનો પ્રયત્ન કરતા પણ એમાં ખાસ કાંઈ આવતું નહીં. અને આવતું તો સમાતું નહીં. પણ એક સમજણ બાળપણમાં બહુ વહેલી આવી ગયેલી. કે ભૂખ તો લાગે છે. અને ભૂખ લાગે ત્યારે આપમેળે ભૂખ સંતોષાય પણ જાય છે. જે સમયે આપણે કશું જ કરી શકતા નહોતા, એ સમયે પણ આપણી ભૂખ આપમેળે સંતોષાય જતી. હા, થોડું રડવું પડતું પણ ધેટ્સ ઓકે.
હવે ધારો કે એવું માની લઈએ કે કોરોનાના પ્રભાવને કારણે આપણું સર્વસ્વ લુંટાય ચુક્યું છે. આપણે બધું જ ગુમાવી બેઠા છીએ. બેંકના હપ્તા બાકી છે, ઉધાર ચૂકવવાનો બાકી છે, ઉત્પાદન ઝીરો છે અને છતાં કર્મચારીઓનો પગાર ચૂકવવાનો છે. લાખો-કરોડોના નુકશાન કે ખોટ પછી આપણે રસ્તા પર આવી ગયા છીએ. તો હવે શું કરશું ? જસ્ટ ચેક કે આપણા શ્વાસ તો નથી છીનવાયા ને ? વર્સ્ટ સિનારિયો ધારી લઈએ કે કુદરતે આપણને ફરી એ જ હાલતમાં મૂકી દીધા છે, જે હાલતમાં આપણો જન્મ થયેલો. પોતાના શ્વાસ સિવાય આપણી પાસે બીજા કશાની માલિકી નથી. તો શું ? જીવવાનું છોડી દેશું ? જો જન્મ સમયે ઝીરો-અનુભવ, બાળક બુદ્ધિ અને બહુ જ પ્રાથમિક સમજણ સાથે પણ આપણે અત્યારે જે મુકામ પર છીએ, ત્યાં પહોંચી શક્યા હોઈએ, તો ફરીવાર કેમ ન પહોંચી શકીએ ? હવે, તો આપણી પાસે અનુભવ છે, સમજણ છે, રિસોર્સીસ છે. રહી વાત ખોરાકની, તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે રીતે ઊંડો શ્વાસ લઈએ અને આ પૃથ્વી વાતાવરણમાં રહેલો ‘ફ્રી’ ઓક્સીજન આપણા ફેફસા સુધી પહોંચાડી દે છે, એવી જ રીતે કુદરત પેટનો ઓક્સીજન પણ પહોંચાડી દેશે. જેણે દાંત આપ્યા છે, ખોરાક પણ એ જ આપશે. એનો અર્થ એ નથી કે આપણે સૂતા રહેવાનું છે. બાળપણમાં ભૂખ લાગે ત્યારે ‘રડી લેતા’, હવે ‘લડી લેવાનું’ છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્રિય રીતે પ્રયત્ન કરનારા કોઈપણ જીવને (ફક્ત મનુષ્ય નહીં), કુદરત ભૂખ્યા પેટે સૂવા નથી દેતી.
અસ્તિત્વ-વાદનો આ જ નિયમ છે. જે અદ્રશ્ય બળ આપણને અસ્તિત્વમાં લાવે છે, એ જ અદ્રશ્ય બળ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણને ‘મદદ’ કરે છે. કોરોનાને કારણે અસ્તિત્વના ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં એક સેટ હારી ગયા તો શું થયું ? ટેનિસ રમવાની આપણી ટેલેન્ટતો આપણી પાસે અકબંધ છે ને ! બસ, જાત પર ભરોસો હોવો જોઈએ. થોડા આરામ પછી ખુરશી પરથી ઉભા થશું ત્યારે એક નવો સેટ રમવાનો ચાન્સ મળશે. જે ટેલેન્ટને કારણે ગ્રાન્ડસ્લેમની ફાઈનલ સુધી પહોંચ્યા છીએ, એ જ ટેલેન્ટ આપણને ચેમ્પીયન બનાવશે. જિંદગીની ટુર્નામેન્ટ હંમેશા ‘બેસ્ટ ઓફ ફાઈવ’ હોય છે. હજી તો એક જ સેટ હાર્યા છીએ. હવે, બીજા સેટ પર ફોકસ કરીએ. લવ ઓલ. સ્ટાર્ટ ?
-ડૉ. નિમિત્ત ઓઝા