
એક અંગ્રેજી અખબારમાં ૧૯૮૫માં પ્રકાશિત થયેલી અને લેખિકા એન. વેલ્સના જીવનમાં બનેલી એક સત્ય ઘટના આટલા વર્ષો પછી પુનર્જીવિત થઈ છે. એન. વેલ્સે આ વાત ત્યારે લખેલી જ્યારે એમની યુવાન બહેન ‘જેન’ અકાળે અવસાન પામેલી. એના મૃત્યુ બાદ વેલ્સના બનેવીએ જેનના વોર્ડરોબમાંથી એક નવો નક્કોર અને મોંઘો ડ્રેસ કાઢીને વેલ્સને કહેલું, ‘દસ વર્ષ પહેલા અમે ન્યુ-યોર્ક ગયેલા ત્યારે જેને આ ડ્રેસ ખરીદેલો. એણે ક્યારેય પહેર્યો નહીં. એ કાયમ એવું કહેતી કે કોઈ ખાસ પ્રસંગે પહેરીશ. આજે એ ખાસ પ્રસંગ આવી ગયો છે.’ એટલું કહીને જેનના ડેડબોડીને શણગારવા માટે તેમણે એ ડ્રેસ વેલ્સને સોંપી દીધો.
આપણા બધાના વોર્ડરોબમાં પણ કદાચ એક એવો ડ્રેસ, એક એવો પોશાક હશે જે આપણે કોઈ ‘ખાસ પ્રસંગ માટે’ સાચવીને મૂકી દીધો હશે. ફલાણાના લગ્નમાં, ફલાણી પાર્ટીમાં, મારા જન્મદિવસે, મારા ગ્રેજ્યુએશન વખતે, કોઈ સ્ટેજ શો કે ઈન્ટરવ્યુના ‘ખાસ’ દિવસે પહેરવા માટે એ પોશાકને બહુ જ જતનથી સાચવીને રાખ્યો હશે. ઘણીવાર આપણને એ પહેરવાનું મન પણ થયું હશે પણ પછી આપણે મનને મનાવી લીધું હશે કે ‘આજે નહીં, કોઈ ખાસ પ્રસંગે પહેરીશ.’ અને એ ખાસ પ્રસંગ ક્યારેય નથી આવતો. જો ભવિષ્યમાં કદાચ એ ખાસ પ્રસંગ આવી પણ જાય, તો ત્યારે એ ડ્રેસ પહેરવાનો ઉત્સાહ ઓછો થઈ ગયો હોય છે. ને કાં તો એ પ્રસંગ સાથે આવનારી ચિંતાઓ કે જવાબદારીઓના વાવાઝોડા વચ્ચે આ ગમતો પોશાક પહેર્યાનો આનંદ ક્યાંય ઉડી જતો હોય છે.
દરેક વસ્તુ ‘સંગ્રહ’ કરવાની કે ‘ભવિષ્ય માટે બચાવીને રાખવાની’ આપણને એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે હવે આપણો ‘આનંદ’ અને ‘મોજ’ પણ ભવિષ્ય માટે બચાવીને રાખીએ છીએ. ખુશીઓ એ કોઈ કરન્સી નથી, જેને ફીક્સ ડિપોઝીટમાં રાખવાથી એના પર વ્યાજ મળે. એ કોઈ મિલકત નથી, જેને રાખી મૂકવાથી એના ભાવ વધે. ખુશીઓ, આનંદ, મોજ, જલસો ફક્ત અને ફક્ત આ ક્ષણમાં જ હોય છે. જો આ ક્ષણમાં નથી, તો ક્યારેય નથી. આપણે કયા ખાસ પ્રસંગની રાહ જોઈએ છીએ ? આપણે હયાત હોઈએ, એ દરેક ક્ષણ એ દરેક દિવસ આપણા માટે ખાસ પ્રસંગ જ છે. અત્યારે તમે જો આ આર્ટીકલ વાંચી રહ્યા છો, તો તમને અભિનંદન કારણકે તમે જીવી રહ્યા છો. એનાથી વધારે મોટા અને સ્પેશિયલ બીજા કયા પ્રસંગની આપણને પ્રતીક્ષા છે ? ‘ક્યારેક’ કે ‘કોઈક દિવસ’ જેવા શબ્દો આપણા આ ક્ષણમાં રહેલા ચોક્કસ અને પામી શકાય તેવા આનંદને, ભવિષ્યની કોઈ દૂર રહેલી શક્યતામાં ફેરવી નાખે છે. જો આપણા શ્વાસના ઉત્સવમાં આપણે જ હાજરી નહીં આપીએ, તો આ જિંદગીની રોનક ફિક્કી લાગવા લાગશે. આ શરીર, એ શ્વાસની હાજરીને ઉજવવા માટે બંધાયેલો મંડપ છે. અને આ મંડપ આપણે શણગારવો જ રહ્યો. ગમતા પોશાકથી, ગમતા પરફ્યુમથી, ગમતી હેર-સ્ટાઈલ કે હેર કલરથી. જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, એ ખાસ પ્રસંગ આજે જ છે. અત્યારે છે. ચાલો તૈયાર થઈને એવો માભો પાડી દઈએ કે જિંદગી સ્તબ્ધ થઈ જાય. શ્વાસના ચાલ્યા ગયા પછી મંડપ શણગારવાનો કોઈ અર્થ નથી.
-ડૉ. નિમિત્ત ઓઝા
ક્ષણ ક્ષણ ને જીવી લે તે જ વ્યક્તિ જીવ્યો ગણાય, કારણ કે આ જીવંત ક્ષણો નો સરવાળો એ જ તો જિંદગી છે, બાકી તો સમય પસાર થવા ની મથામણ
LikeLike