શું તમને ફોમો (FOMO) છે ?

આમ તો ખુશ રહેવા માટેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી હોતી પણ સુખ બનાવવાની રેસીપીમાં સૌથી મહત્વનું અને અનિવાર્ય કોઈ ઘટક હોય, તો એ છે સંતોષ. ‘યે જવાની હૈ દીવાની’ના એક સીનમાં ઢળતા સૂરજની સામે બેઠેલી નૈના પોતાના મિત્ર બન્નીને કહેતી હોય છે, ‘લાઈફ મેં જીતના ભી ટ્રાય કરલો, કુછ ના કુછ તો છૂટેગા હી. તો જહાં હૈ, વહીં કા મઝા લેતે હૈ.’ અસંતોષ, ઈર્ષા કે લઘુતાગ્રંથિ પુષ્કળ ડિસ્કાઉન્ટ સાથે દરેક સોશિયલ મીડિયા સાઈટ પર ઓનલાઈન અવેલેબેલ છે. સંતોષ એક જ એવી લાગણી છે જે ઓફલાઈન મળે છે.

ફોમો (FOMO) એટલે ‘ફિયર ઓફ મિસિંગ આઉટ.’ જો સોશિયલ મીડિયા પર તમારા મિત્રોની પોસ્ટ કે ફોટા જોઈને તમને એ જગ્યા પર ન હોવાની બેચેની, ઈર્ષા કે ચિંતા થતી હોય, તો તમને ફોમો છે. જે રીતે ટેલીવીઝન પર આવતી કોમર્શીયલ્સ આપણને સતત અહેસાસ કરાવે છે કે આપણી પાસે ઘણી વસ્તુઓ નથી. જે રીતે ટીવી, સિનેમા કે હોર્ડિંગ્સ પર પ્રોજેક્ટ કરવામાં આવતા રૂપાળા ચહેરાઓ આપણને રીયલાઈઝ કરાવે છે કે આપણે સુંદર નથી, એવી જ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતી અન્ય લોકોની પ્રસિદ્ધિ, ઉપલબ્ધિ કે ખુશી આપણને સતત પ્રતીત કરાવ્યા કરે છે કે આપણે ક્યાંક અપૂર્ણ છીએ. અન્ય લોકોએ મૂકેલા હિલ-સ્ટેશનના ફોટોઝ, શેર કરેલા લોકેશન્સ અને ગ્રુપ સેલ્ફી જોઈને આપણને ‘રહી ગયા’, ‘આપણે આ ગુમાવ્યું’ કે ‘એને કેવા જલસા છે !’ જેવી અનુભૂતિ થતી હોય, તો આ જ સમય છે આપણા ખોવાયેલા સેલ્ફ-એસ્ટીમની એફ.આઈ.આર નોંધાવવાનો.

અસંતોષની એ ચરમસીમા છે જ્યારે કશુંક એવું ગુમાવવાનો ડર લાગવા લાગે, જે આપણને મળ્યું જ નથી. તકલીફ એ નથી કે આપણે સરળતાથી ખુશ નથી થઈ શક્તા. તકલીફ એ છે કે અન્ય લોકોને ખુશ જોઈને આપણે સરળતાથી ઉદાસ થઈ જઈએ છીએ. સોશિયલ મીડિયા પર પ્રોજેક્ટ કરવામાં આવતી અન્ય કોઈની ભ્રામક, મેનીપ્યુલેટેડ અને ક્ષણિક ખુશીથી જો આપણે અસલામતી, ચિંતા કે ઈર્ષા અનુભવતા હોઈએ તો સમજી લેવું કે સોશિયલ મીડિયાને કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને આપણા જીવનમાં ‘સંતોષ’ શોધવા માટે થોડો સમય ઓફલાઈન થવાની જરૂર છે.

ફોમોથી આગળનો તબક્કો FOBO (ફિયર ઓફ બિઈંગ ઓફલાઈન) છે. જો વારંવાર કોઈ જ કારણ વગર સોશિયલ મીડિયા, મેસેજ કે ફોન જોયા કરવાની ઈચ્છા થયા કરે અને કોઈ અગત્યની પોસ્ટ, માહિતી કે મેસેજ ‘મિસ’ કરી દઈશું એવો ડર લાગવા લાગે, તો એ પણ અલાર્મિંગ છે. સતત ઓનલાઈન રહેવાની ઘટના એક વાતની સાબિતી તો આપે જ છે કે આપણે પોતાની જાત કે આસપાસના ‘રિયલ’ વર્લ્ડથી સંતુષ્ટ નથી. માટે એ પ્લેઝર, પ્રેમ, પ્રશંસા કે સ્વીકારની શોધમાં આપણે ઓનલાઈન ભટક્યા કરીએ છીએ. દૂર રહેલા ‘વર્ચ્યુઅલ’ અત્તરથી પ્રભાવિત થયેલા આપણે ઘણીવાર આપણામાં રહેલી મોગરાની સુગંધ અનુભવી નથી શક્તા. આપણે આપણને મળવા જેવા માણસ છીએ. એક જીવ તરીકે આપણે દરેક એટલા મૂલ્યવાન તો છીએ જ કે લોકોને આપણને ગુમાવવાનો ડર લાગે. બાકી આપણી પાસે ગુમાવવા જેવું છે શું ?

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “શું તમને ફોમો (FOMO) છે ?

  1. પણ કેટલીકવાર આ ધખારા પોતાની જ જાત ને મળવાની બીક કે સ્વ ને સાચી રીતે સમજી જવા ના ભય થી પણ હોય શકે ને, અને એટલે જ વ્યક્તિ જાત થી ભાગી ને, સ્વ ને વીસરી ને ભ્રામક દોડ માં અટવાઈ જતો હોય

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: