…તો આપણે મળીએ

મારા વિશે લોકોએ કરેલી વાતો સાંભળીને, તમે મારા વિશે જજમેન્ટલ ન થયા હોવ તો આપણે મળીએ. તમારા ખિસ્સામાં રહેલા મારા વિશેના અભિપ્રાયો અને ધારણાઓ આપણા સંબંધો માટે સૌથી તીક્ષ્ણ હથિયારો છે. સાવ કોરી પાટીએ, ખુલ્લા હ્રદય અને ખુલ્લી હથેળીઓ સાથે ગળે મળી શકવાના હોવ, તો આપણે મળીએ. મળવા આવો તો ધારદાર ભૂતકાળ કે અણીદાર યાદો ભૂલેચૂકે પણ સાથે લાવવી નહીં. હું નથી ઈચ્છતો કે આપણા ઈજાગ્રસ્ત ભૂતકાળની ગંભીર અસરો આપણી આવનારી મુલાકાત પર થાય. જે વીતી ગયો એ સમય આપણા કહ્યામાં નહોતો, એની સાથે હવે કોઈ જ લેવડ-દેવડ કરવી નહીં. બસ, એટલી વિનંતી છે કે એ સમયને આપણા આવનારા સમયથી દૂર રાખવો. બગડેલા ભૂતકાળની સોબતમાં રહીને ક્યારેક વર્તમાન પણ બગડી જતો હોય છે. જૂની બધી જ વાતો ભૂલાવીને, કોઈ અજાણ્યા અને અપરિચિત માણસની જેમ મળી શકવાના હોવ, તો આપણે મળીએ.

અપેક્ષાઓ આપણને શાંતિથી બેસવા નહીં દે. આપણા સંબંધની સુંદરતા સાથે એ મેચ નથી થતી. એને ઘરે મૂકીને આવજો. મારી પાસેથી કશું મેળવી લેવાની ઈચ્છા હોય, તો આપણે નહીં મળીએ. લાભ જોઈને થાય એને બિઝનેસ ડીલ કહેવાય, મિત્રતા નહીં. મિત્રતા હોય ત્યારે મુલાકાત લક્ઝરી લાગવી જોઈએ, જવાબદારી નહીં. કોઈપણ જાતના કોન્ટ્રાક્ટ કે કમીટમેન્ટ વગર મળી શકવાના હોવ, તો આપણે મળીએ.

આપણે મળશું જ, એવી ખાતરી જો તમને હોય તો પણ આપણે નહીં મળીએ. આપણી મુલાકાત એ કોઈ ન્યાયાધીશે આપેલી તારીખ નથી કે આપણે મળવું જ પડે. ન મળી શકવાની શક્યતા સાથે મળવાના હોવ, તો આપણે મળીએ. કદાચ એવું બને કે તમે મળવા આવો ત્યારે હું ગેરહાજર હોઉં. કદાચ એવું પણ બને કે હું તમારી રાહ જોતો બેસી રહું. જો પ્રતીક્ષા કરવાની તૈયારી સાથે મળવાના હોવ, તો આપણે મળીએ. આપણી મુલાકાત એ કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી, જેમાં ઈન્વેસ્ટ કરતા પહેલા ‘ઓફર ડોક્યુમેન્ટ્સ’ ધ્યાનથી વાંચવા પડે. જો અને તોની શરતો વગર મળવાના હોવ, તો આપણે મળીએ.

એક ફોર્મલ સ્માઈલ, એક બુકે અને થોડી ફોર્મલ વાતો. જો આ બધું લઈને આવવાના હોવ, તો આપણે નહીં મળીએ. ઈમોજી વગરનું એક ઓરીજીનલ ટાઈટ હગ, મને જોઈને આંખોમાં આવેલા આંસુઓ અને મારા માટે સાચવીને રાખેલું મૌન. આપણી મુલાકાતની બસ આટલી જ જરૂરીયાત છે. જો શબ્દોની લાકડીના ટેકા વગર મને મળી શકવાના હોવ, તો આપણે મળીએ.

ઘડિયાળ પહેરીને ન આવતા, નકામી થઈ જશે. કારણકે આપણે મળશું ત્યારે સમય થંભી જશે. આપણી મુલાકાતને મીનીટો કે કલાકોમાં ગણવાના હોવ, તો આપણે નહીં મળીએ. કલાકોથી જે નક્કી થાય, એ ઓફિસ અવર્સ હોય, મુલાકાત નહીં. મુલાકાત તો ક્ષણોથી નક્કી થતી હોય છે. કિલોમીટરમાં જે મપાય છે, એ બે શહેરો વચ્ચેનું અંતર હોય છે. બે વ્યક્તિઓ વચ્ચેનું નહીં. બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર તો એકબીજાને મળવાની ઈચ્છાથી મપાય છે. જો ખરા હ્રદયથી ક્યારેય પણ મને મળવાની ઈચ્છા કરી હોય, તો આપણે મળીએ. આપણું મળવું એ ઘટના નથી, તે એક તહેવાર છે. અને તહેવારો બારેમાસ નથી રહેતા. મળ્યા પછી જો સહજતાથી છૂટા પડી જવાની તૈયારી હોય, તો આપણે મળીએ.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

4 thoughts on “…તો આપણે મળીએ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: