સાથે શું આવશે ?


સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું ? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા.

સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે. હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન હોય છે. એક નિર્જીવ શરીર, એ શરીરને ખુશી ખુશી ગુડબાય કહી રહેલો આત્મા અને કેટલાક ઋણાનુબંધ. આ પૃથ્વી પરથી અનિશ્ચિત સમયે આપણને લઈ જનારી કાયમી ઉડાનમાં બહુ ઓછી વસ્તુઓ પરમીટેડ હોય છે.
શક્ય છે કે એ ફ્લાઈટની ટીકીટ કોઈએ સ્પોન્સર કરેલી હોય કારણકે મૃત્યુ જાતે કમાઈ શકીએ, એટલા સક્ષમ અને સમર્થ કદાચ ક્યારેય નહીં થઈ શકીએ. આપણે બેઠા હશું ઈકોનોમી ક્લાસમાં અને આપણા કર્મો વટથી બિઝનેસ ક્લાસમાં સફર કરતા હશે. વિન્ડો-સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક એવી દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહીં હોય અને બાજુમાં બેઠેલી હશે એક એવી વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નહીં હોઈએ. એ ક્ષણે આપણી સાથે ફક્ત એક જ વસ્તુ હશે. આ દુનિયા પર આપણે વિતાવેલો સમય.


મૃત્યુની રાહ જોઈને પથારી પર પડ્યા હોઈએ ત્યારે ભૂતકાળની કોઈ વાતો યાદ કરીને આપણે ખડખડાટ હસી શકીએ, તો સમજવું કે આપણે જીવેલું સાર્થક છે. મરતી વખતે સૌથી ધનવાન વ્યક્તિ એ જ કહેવાય છે જેની પાસે ખૂબ બધી યાદો, વાતો અને વાર્તાઓ છે. જે માણસ જિંદગીમાં ક્ષણો કમાઈ નથી શકતો, એ સૌથી મોટો બેરોજગાર છે. સમયના ભોગે કમાયેલા પૈસા કરતા, પૈસાના ભોગે કમાયેલી ક્ષણો અને યાદો છેલ્લા શ્વાસ સુધી યાદ રહેતી હોય છે.


જતી વખતે ઘણું બધું સાથે આવશે. દરિયા કિનારે ગાળેલી એક સાંજ, પ્રિય વ્યક્તિના ખોળામાં માથું મૂકીને કરેલી વાતો, મિત્રો સાથેની લોંગ ડ્રાઈવ, આખી રાત સુધી ચાલેલી વોટ્સ-એપ ચેટ અને ગમતી વ્યક્તિઓ માટે કરેલા ઉજાગરા. આપણે ખાલી હાથે નથી જવાનું. ખૂબ બધી યાદો ભરીને જવાનું છે. મમ્મીની ગરમાગરમ રોટલીઓ, પપ્પાએ કરેલું હગ, ગર્લ-ફ્રેન્ડ સાથેનું કેન્ડલ લાઈટ ડિનર અને મિત્રોની મીઠી ગાળો.


સાથે આવશે એવી પાર્ટીઓ જેમાં ભાન ભૂલીલે નાચેલા, એવા રસ્તાઓ જ્યાં મિત્રો સાથે ભૂલા પડેલા. ઘણું બધું સાથે આવશે. હસતા હસતા જમીન પર આળોટેલા એવી કેટલીક જોક્સ અને રમૂજી પાત્રો. થોડા સિક્રેટ મેસેજીસ અને કેટલાક ખાનગી પત્રો. કોઈએ આપેલું પહેલું ગુલાબ, કોઈએ આપેલો ‘હા’નો જવાબ. કોઈની પ્રતીક્ષામાં ગાળેલા કલાકો, કોઈના વિરહમાં વીતાવેલા દાયકાઓ. કોઈ છેક સુધી ન મળી શક્યાનો અફસોસ, તો કોઈ મળ્યા પછી વિખુટા પડી ગયાનો રંજ. ગમતા સ્વજનો, દોસ્ત અને દિલદાર. છેક સુધી યાદ રહેશે હારેલી બાજીઓ અને રમેલા જુગાર.
માનવ અવતાર લીધા પછી જ્યાં ખુદ કૃષ્ણ આટલું બધું ઇવેન્ટફૂલ જીવ્યા હોય, એ ધરતી પર આપણી વાર્તાઓમાં પણ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. જેમાં એકપણ ઘટના ન હોય, એને સમાધિ કહેવાય. જીવતર નહીં. એ વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય જેના ગયા પછી એના જીવન પર નવલકથા લખી શકાય, મૃત્યુનોંધ નહીં.
-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “સાથે શું આવશે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: