
કોમ્પ્યુટર હોય કે મોબાઈલ, મોટાભાગની ઇલેક્ટ્રોનિક સાધન જ્યારે હેંગ થાય છે ત્યારે એનો સૌથી સરળ અને પહેલો ઉપાય એ જ હોય છે કે એને બંધ કરી અને થોડા સમય પછી રી-સ્ટાર્ટ કરો. અને એ કામ કરવા માંડશે. આપણે કેમ એવું માનીએ છીએ કે આપણું મગજ, આપણી ઉર્જા કે આપણું શરીર કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન કરતા અલગ છે ? આપણી અંદર પણ ચેતાઓ (ન્યુરોન્સ)ના રૂપમાં ‘ઇલેક્ટ્રિક વાયર્સ’ જ ફીટ થયેલા છે. માણસજાત એ ઈશ્વરે સર્જેલી સૌથી નાજુક અને સોફેસ્ટીકેટેડ ‘ઇલેક્ટ્રોનિક ડિવાઈસ’ છે.
આપણે કાયમ આપણું મગજ અને શરીર ઓવરલોડ કરી દઈએ છીએ. કામથી, વિચારોથી, સોશિયલ મીડિયાથી, તનાવ અને ચિંતાથી, ટાર્ગેટ અને અચીવમેન્ટસથી, સામાજિક પ્રસંગોથી અને આવું તો કેટલુંય. એમાં કોઈ નવાઈ નથી કે આપણે પણ ‘હેંગ’ થઈ શકીએ છીએ અને આપણને એની જાણ જ નથી થતી. ‘હેંગ’ થયા પછી પણ આપણે ખેંચ્યા કરીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ કે મજા નથી આવતી. પૂરી કાર્યક્ષમતા અને આનંદથી કોઈપણ કામ સતત કરતા રહેવા માટે આપણને પણ સમયાંતરે ‘સ્વીચ ઓફ’ થવાની જરૂર હોય છે.
આપણે કામને એટલી બધી ગંભીરતા અને જવાબદારીથી સ્વીકારી લઈએ છીએ કે કામમાંથી ‘બ્રેક’ લેવામાં આપણને પસ્તાવો થવા લાગે છે. બાળપણથી જ આપણું મગજ એ રીતે ‘કંડીશન્ડ’ થઈ ગયું છે કે ‘કાંઈ પણ ન કરવા’ કે નિષ્ક્રિયતાને આપણે અપરાધ કે ‘સમયનો બગાડ’ ગણવા લાગીએ છીએ. કશુંક પામવાની દોડમાં આપણે એ રીતે મુઠ્ઠીઓ વાળીને દોડીએ છીએ કે જિંદગી તરફ વળવાનો રસ્તો આપણે બાયપાસ કરી જઈએ છીએ. જે કમાયા છીએ, એ સાચવવામાં અને કાં તો નવું કમાવવામાં એ હદે વ્યસ્ત થઈ જઈએ છીએ કે કશુંક નવું અનુભવવાનો સમય જ નથી મળતો. આપણે ‘હ્યુમન બિઈંગ’ છીએ, ‘હ્યુમન ડૂઈંગ’ નહીં. આપણા અસ્તિત્વનું નિર્માણ સતત કશુંક કરતા રહેવા માટે નથી થયું પણ આ સુંદર જગતને અનુભવવા માટે થયું છે. અને આ જગતને અનુભવવા માટે આપણી જાતને કામ, સમાજ, સોશિયલ મીડિયા અને દરેક જાતના જોડાણોથી થોડા સમય માટે ‘સ્વીચ ઓફ’ કરવાની જરૂર છે.
તમામ પ્રકારના સોશિયલ મીડિયા, વોટ્સ એપ, ફેસબુક પરથી થોડા સમય માટે બ્રેક લો. ડિજીટલ ડીટોક્સીફીકેશન જરૂરી છે. દિવસના કોઈ તમે નક્કી કરેલા સમયે ફોનને ‘એરોપ્લેન મોડ’માં મૂકી દો અને આસપાસ રહેલા લોકો, જીવો કે વૃક્ષો સાથે કનેક્ટ થાવ. કોઈ એવી શાંત જગ્યાએ જાવ જ્યાં પ્રકૃતિના અવાજ સિવાય બીજું કશું જ ન હોય. જિંદગીના અર્થની પ્રતીતિ ક્યારેય ઘોંઘાટમાં નથી થતી. દરિયા કિનારે કે જંગલોમાં જઈને ગમતું પુસ્તક વાંચો. કોઈ જ ગીલ્ટ રાખ્યા વગર બે અઠવાડિયાનું વેકેશન લો અને એવી જગ્યાએ જાવ જ્યાં તમને બાળક થવાનો અવસર મળે. કોઈ મિત્ર કે સાથી સાથે એક લાંબા પ્રવાસ પર નીકળી પડો. કેલરીની ચિંતા કર્યા વગર તમારી જાતને આઈસ્ક્રીમ અને ચોકલેટ્સથી નવાજો. આપણે બધા એટલું તો ડિઝર્વ કરીએ જ છીએ. આપણા માનવ તંત્રને થોડા દિવસો સ્વીચ ઓફ કરવાથી આપણને ખ્યાલ આવશે કે રી-સ્ટાર્ટ કર્યા પછી કેટલી બધી સમસ્યાઓનું સમાધાન આપોઆપ થઈ જાય છે.
-ડૉ. નિમિત્ત ઓઝા
sachi vaat.
LikeLiked by 1 person