
અકાળે અવસાન પામેલા એક ગમતા સંબંધની મૃત્યુનોંધ છાપામાં નથી આવતી. એક ગમતા સંબંધના અવસાનનો ખરખરો કરવાની સૌથી વધારે ઈચ્છા એ જ લોકો સાથે થાય છે જેમની સાથે હવે બોલવાનો વ્યવહાર પણ નથી હોતો. પણ સ્મશાન સુધી પહોંચી ગયેલા સંબંધની પાછળ ક્યાં સુધી જીવ બાળવાનો ? રાષ્ટ્રીય દરજ્જાનું સન્માન આપેલા મિત્રની વિદાય પછી ક્યાં સુધી શોક પાળવાનો ?
આપણે સંબંધોનો વીમો નથી ઉતરાવતા એટલે ગમતા સંબંધના આકસ્મિક મૃત્યુ પછી આપણને એ વ્યક્તિની એટલી બધી ખોટ લાગતી હોય છે જાણે વર્ષો પછી માંડ કન્સીવ કરેલા કોઈ વળગણનું અચાનક એબોર્શન થઈ ગયું હોય. એ વ્યક્તિના જવાથી એવું લાગે કે પુરપાટ ઝડપથી દોડતી જિંદગીની રાજધાની એક્સપ્રેસને કોઈએ અચાનક ‘સ્ટેચ્યુ’ કહી દીધું હોય. વેન્ટીલેટર પર રાખેલા કોઈ સંબંધને આપણા અથાગ પ્રયાસો પછી પણ ન બચાવી શકાય તો ? તો કાંઈ નહીં. એની પાછળ વિલાપ અને વલોપાત કરવા કરતા, એ સંબંધની પ્રાર્થનાસભામાં ટૂંકી અને નોંધપાત્ર હાજરી આપીને ત્યાંથી ચાલ્યા જવું.
શરીર સાથે આટલા વર્ષો વિતાવ્યા પછી પણ આત્મા ક્યાં એનો મોહ રાખે છે ? એ તો એનો સમય આવે નીકળી જ પડે છે કોઈ અલખની શોધમાં. જિંદગીમાં કશું જ કાયમી નથી. ન સ્નેહ, ન સંબંધ, ન ભાવ, ન લગાવ. સમય અને સંજોગોના વાવાઝોડામાં બધું જ ખરી પડે છે. બ્રેક-અપ હોય કે અવસાન, જિંદગીમાંથી ચાલી ગયેલી એક વ્યક્તિ પાછળ કરેલો વધારે પડતો અફસોસ આપણી આસપાસ બાકી બચેલા સંબંધોને અન્યાય કરવા માટે પૂરતો હોય છે. કોઈના વિરહને વળગીને ક્યાં સુધી રડ્યા કરશું ?
આપણને એકબીજાથી દૂર લઈ જતા પ્રવાહની વિરુદ્ધમાં ખેંચી-તાણીને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાથી એ સંબંધ વચ્ચમાંથી એવી ખરાબ રીતે તૂટી જાય છે કે પછી એના અવશેષો પણ હાથમાં નથી આવતા. સમયસર અને ઉદારતાથી છોડી દીધેલા સંબંધો, એટલીસ્ટ એક બાજુ તો નક્કી અકબંધ અને અખંડ સચવાયેલા રહેશે.
લેટ્સ મૂવ ઓન. જિંદગીની ટાઈમ-લાઈનને પાછળ સ્ક્રોલ કરીને જોવાનો કોઈ જ ફાયદો નથી. કેટલાય નવા અપડેટ્સ આપણી રાહ જોઈને બેઠા છે. આટલી વિશાળ દુનિયામાં કોઈક તો એવું મળી જ જશે, જે આપણા મૂરઝાયેલા ચહેરા પર પ્રેમનું નવું ગુલાબ ફરી એકવાર ઉગાડી શકશે.
કિંમતી વસ્તુઓ સાચવીને વાળેલી મુઠ્ઠીઓ, ઈશ્વર ખોલાવે ત્યારે ખોલી નાખવી. કારણકે ભવિષ્યમાં આવનારી વધુ સારી ક્ષણો સમાવવા માટે હથેળીઓ ખાલી કરવી આવશ્યક હોય છે. જૂની અને કોહવાઈ ગયેલી પળોને મુક્તિ આપી, તાજગીભર્યા નવા સંબંધની પ્રતીક્ષા કરવામાં જ આપણા સૌની ભલાઈ છે.
બ્રેક-અપ અને બ્રેક-ડાઉન થયેલા સંબંધને જાહેર રસ્તા પર રીવાઈવ કરવાનો પ્રત્યન કરીને જિંદગીના ટ્રાફિકને રોકવા કરતા, તેને ઊંચકીને ફૂટપાથ પર મૂકી દેવો. ગમતો સંબંધ તૂટે કે ગમતો સાથ છૂટે ત્યારે બમણી ઝડપથી લાઈફમાં આગળ વધ્યા કરવું કારણકે જિંદગી વર્તુળ છે. આગળ જતા એ જ વ્યક્તિ કોઈ નવા સ્વરૂપમાં, કોઈ નવા સંબંધમાં એક નવી તાજગી સાથે આપણી પ્રતીક્ષા કરતી હશે. એ નહિ મળે તો નક્કી બીજું કોઈ તો એવું મળશે જ, જે આપણી સફર યાદગાર બનાવી શકે. ત્યાં સુધી મૂવ ઓન.
-ડૉ. નિમિત્ત ઓઝા
અદ્દભુત. ગુજરાતી સાહિત્ય માં શૂન્યાવકાશ રહેશે નહીં.
LikeLiked by 1 person
What a great narration. To the point, each and every word. It’s been one of the most realistic, qualitative and touchy articles I have come across in recent times. I second with your every word. I felt at every point that this is what I wanted to write for a long time but couldn’t. Your pen did a commendable job here. Take a bow, Dr. Oza Sir. 👏👏👏
PS: Apologies for not typing a comment in Gujarati. 🙏
LikeLiked by 1 person