
શબ્દનો અનુવાદ થઈ શકે, સુખનો નહીં. કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, ભાવ નહીં. આ વિશ્વ ભાષા પર નહીં, ભાવ પર ટકેલું છે. અને ભાવ યુનિવર્સલ છે. આપણી ભાષા અલગ હશે પણ સુખની અનુભૂતિ ‘સ્પેન’માં રહેલી કોઈ વ્યક્તિને પણ એવી જ થતી હોય છે, જેવી આપણને. આપણે ફક્ત ભાષાંતર કરી શકીએ છીએ, ભાવાંતર નહીં. વિશ્વની દરેક ભાષા પાસે સુખી જીવનની પોતાની એક આગવી સમજણ, લાઈફ-સ્ટાઈલ અને ફિલોસોફી છે. સુખની આવી જ એક સ્પેનીશ ટ્રેડીશન છે સોબ્રીમેસા.
સોબ્રીમેસાનો અર્થ થાય છે ‘ઓવર ધ ટેબલ.’ જમી લીધા પછી ટેબલ પરથી તરત ઉભા થઈ જવાને બદલે, ત્યાં જ બેસીને કુટુંબીજનો કે મિત્રો સાથે ગાળેલો થોડો સમય એટલે સોબ્રીમેસા. આ સમય દરમિયાન વાતો સિવાય કોઈપણ જાતની અન્ય પ્રવૃત્તિ અલાઉડ નથી. ન ટીવી, ન મોબાઈલ. જેમની સાથે ભરપેટ જમ્યા છીએ, એમની જ સાથે ભરપેટ વાતો કરી લેવાની લક્ઝરી એટલે સોબ્રીમેસા. આ ‘સીમ્પ્લીફાઈડ સુખ’ છે. પેટનો ખાલીપો ભરવા માટે ટેબલ પર અનાજ અને જાતનો ખાલીપો ભરવા માટે ટેબલની બીજી બાજુએ કોઈ કંપની મળી જાય, તો સુખ મેળવવા માટે જિંદગી પાસે ઓવરટાઈમ ન કરાવાય. જે ક્ષણે અને જે સ્થળે જઠર અને જીવનનો ખાલીપો ભરાય, સુખ ત્યાં જ અનુભવાય.
લંચ હોય કે ડીનર. સોબ્રીમેસા કોઈપણ ભોજન પછી કરી શકાય. કોઈપણ સ્થળે કરી શકાય. શરત બસ એટલી છે કે જેમની સાથે ભોજન શેર કર્યું, એમની સાથે મન શેર કરવાનું. ક્યારેક છપ્પનભોગ આરોગ્યા પછી પણ આપણે અસંતુષ્ટ અને બેચેન હોઈએ છીએ. તો ક્યારેક મિત્ર સાથે પીધેલી અડધી ચા પણ આપણને નિરાંત અને પ્રસન્નતા આપી જાય છે. જમવા માટે ફક્ત હાથની નહીં, સાથની પણ જરૂર પડે છે. શું જમીએ છીએ ? એના કરતા કોની સાથે જમીએ છીએ, એ મહત્વનું છે.
રસ્તા કે કોઈ બાંધકામની જગ્યા પર કામ કરતા શ્રમિકો આપણી કરતા આ વાત વધારે સારી રીતે સમજે છે. લંચ ટાઈમે પોતાનું બધું કામ પડતું મૂકીને, તેઓ સમૂહમાં બેસી જાય છે. ન તો એમનું ટીફીન વજનદાર હોય છે, ન તો એમની વાતો. અને તેમ છતાં એમના સુખમાં એટલું વજન હોય છે કે તેમની પાંપણો ઢળી પડે છે. એ છે ‘સીએસ્ટા.’ જિંદગીની ભાગદોડ વચ્ચે લંચ લીધા પછી આંખોને આપેલી ‘દસ મિનીટ’ની લાંચ એટલે સીએસ્ટા. બપોરની ઊંઘ. સીએસ્ટા એટલે પાવર-નેપ. સાવ થોડી ક્ષણો માટે લીધેલી આ ઊંઘ લક્ઝરી નથી, જરૂરીયાત છે. આ દરમિયાન આપણે મન અને શરીરને ‘ચાર્જિંગ’ મોડ પર મૂકીએ છીએ. ઓફિસ હોય કે દૂકાન, કોર્પોરેટ હોય કે કન્સ્ટ્રક્શન સાઈટ. બેઠાબેઠા હોય કે લંબાવીને.
પણ સીએસ્ટા દરેકના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સુખને પામવા માટે સમય ખર્ચવા કરતા, સુખને અનુભવવા માટે સમય ખર્ચવો વધારે યોગ્ય રહેશે. ગરીબ કે મધ્યમવર્ગને પરવડી શકે, સુખ એટલું સસ્તું હોય છે. મોંઘી તો સુખ વિશેની માન્યતાઓ હોય છે.
-ડૉ. નિમિત્ત ઓઝા
સમજવા લાયક લેખ
LikeLiked by 1 person
Yeah
LikeLike
એકદમ સરસ ખરેખર ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને જમવાનો આનંદ કંઈ ઓર જ હોય છે.
LikeLiked by 1 person
Yess
LikeLike
Amazing…Magician of words.
Worth experiencing both the feelings
Sobremesa and Siesta
LikeLike
Amazing…magician of words
Worth experiencing both the feelings
Sobremsesa and Siesta
LikeLiked by 2 people
Thank you. 😊
LikeLike
સુખ સાધન પર આધારિત ન હોય,
તે નો આધાર સમજણ જ હોય
LikeLiked by 1 person