
ઓસ્ટ્રેલીયન નર્સ બ્રોની વેરના પુસ્તક ‘ટોપ ફાઈવ રીગ્રેટ્સ ઓફ ધ ડાયીંગ’માં તેણે ડેથ-બેડ પર રહેલા દર્દીઓને પૂછેલા પ્રશ્નોને આધારે મૃત્યુ પામતી વખતે વ્યક્તિને સૌથી વધારે થનારા પાંચ અફસોસ વિશેની વાત કહી છે. જેમાં પહેલા નંબરનો અફસોસ છે, ‘કાશ હું મારી ઈચ્છા અને મરજી પ્રમાણે મારું જીવન જીવી શક્યો/શકી હોત. લોકોની અપેક્ષા કે લોકોના અભિપ્રાયોના આધારે નહીં.’ એનો અર્થ એટલો જ થયો કે મોટા ભાગના લોકોને મરતી વખતે સૌથી વધારે અફસોસ એ જ વાતનો હોય છે કે એ મારું જીવન હોવા છતાં પણ મારી ટર્મ્સ પ્રમાણે હું જીવી ન શક્યો.
આ આખી વાત શરૂ થાય છે ‘લો’ સેલ્ફ-એસ્ટીમથી. જો અન્ય લોકોના અભિપ્રાયો આપણને અસર કરવા લાગે તો સમજી લેવું કે આપણું આત્મ-સન્માન ‘લો બેટરી’ બતાવી રહ્યું છે અને એને અરજન્ટ રીચાર્જ કરવાની જરૂર છે. જ્યારે આપણે અન્ય લોકોના અભિપ્રાયોને ( સારા કે ખરાબ ) વધારે પડતું મહત્વ આપવા લાગીએ ત્યારે એનો અર્થ એટલો જ થાય છે કે આપણી જાતને ખુશ, કોન્ફિડન્ટ કે લાયક ગણવા માટે આપણે બીજા પાસે ‘વોટીંગ’ કરાવીએ છીએ.
આ પૃથ્વી પર આપણું હોવું જ એ વાતની સાબિતી છે કે આ અદભૂત દુનિયા અનુભવવા માટે આપણે યોગ્ય અને લાયક છીએ. આપણા પોતાના શ્વાસ લેવા માટે આપણને ગામના ‘એક્ઝીટ પોલ’ની જરૂર નથી. જો આપણું વેલ-બીઈંગ, આપણો મૂડ કે આપણો આનંદ કોઈ બીજાના અભિપ્રાય પર અવલંબિત હોય, તો એ ‘માનસિક ગુલામી’નું સૌથી મોટું લક્ષણ છે. અભિપ્રાયોની ગુલામી. લોકો શું કહેશે ? એવું જ્યારે આપણે વિચારીએ છીએ, ત્યારે આપણા પોતાના આપણી વિશેના અભિપ્રાયો આપણે ‘અન્ય’ પાસેથી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. એને ‘મેટા-પરસેપ્શન’ કહેવાય છે. આપણે પોતાના વિશે જે અભિપ્રાય બાંધીએ છીએ, એ જ અભિપ્રાય લોકો આપણા વિશે આપશે, આપણે એવું વિચારતા થઈ જઈએ છીએ. આ એક પ્રકારની ‘સેલ્ફ-જજમેન્ટલ ટેન્ડન્સી’ છે.
આ પૃથ્વી પર આપણે કોઈની અપૃવલ લેવા નથી આવ્યા. ઘરથી સ્મશાન સુધીની યાત્રામાં કોઈ ચોકીદાર આપણે લીધેલા નિર્ણયો વિશે એનાલિસિસ નથી કરવાનો. જિંદગી ફેસબુક નથી, જેમાં લોકોની ‘લાઈક’ મેળવવાની હોય. આ બ્રમ્હાંડની ‘લાઈક’ મળી છે, એટલે જ હું અને તમે અહીં શ્વાસ લઈ રહ્યા છીએ. અને આપણા જીવતા હોવા માટે એ એક લાઈક પૂરતી છે. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વની લડાઈમાં વ્યસ્ત છે. આપણા વિશે વાત કરવાનો કોઈની પાસે સમય નથી. અને જો કોઈ વ્યક્તિ આટલા વિશાળ વિશ્વમાં આટલા વિવિધ વિષયો અને પ્રવૃત્તિઓ બાજુ પર મૂકીને, પોતાનું જીવન જીવવાને બદલે, આપણા વિશે વાત કરી રહી છે તો એ ખરેખર આપણને ‘સન્માન’ આપી રહી છે. આપણી જિંદગી, આપણા નિર્ણયો, આપણા જીવતરમાં બનતા પ્રસંગો વિશે વાત કરીને જો કોઈ અન્ય વ્યક્તિનો સમય પસાર થતો હોય, તો એવું સમજવું કે એ વ્યક્તિ આપણા ભરોસે છે. આપણું જીવન અન-ઇવેન્ટફૂલ થઈ જશે, તો એ શું કરશે ?
લોકોના અભિપ્રાયોની ઉંમર, તેમના અટેન્શન સ્પાન જેટલી જ ટૂંકી હોય છે. જિંદગીમાં ક્યારેય જેમનું ફોકસ સ્થિર નથી રહ્યું, એમના અભિપ્રાયો પણ બદલાતા જ રહેવાના. જાત સિવાય બીજા કોઈને ખુશ કરવા આપણે બંધાયેલા નથી. આપણી લાઈફના સી.ઈ.ઓ આપણે પોતે છીએ. આ જગતમાં બીજા કોઈ ભલે ન માને, આપણે તો આપણું કહ્યું માનવું જ જોઈએ.
-ડૉ. નિમિત્ત ઓઝા
Abosolutely true.
Few years back i wrote an article with same title
“what others will say?”
Bcoz of this post i revisited that article again.
LikeLiked by 1 person
ખૂબજ meaningful અને વાસ્તવિક ખ્યાલ છે
LikeLiked by 1 person