જવાબ કેમ ન આપ્યો ?

કોઈનો ફોન ‘નો રીપ્લાય’ આવવો અથવા તો આપણો મિસ્ડ કોલ જોયા પછી પણ એમનો ફોન ન આવવો, એ આપણા માટે ક્યારેક ચિંતાનો વિષય બની જાય છે. આપણે કરેલા મેસેજને બે બ્લુ ટીક થઈ ગઈ હોવા છતાં પણ સામેવાળાનો કોઈ જવાબ ન આવે, એ આપણા સહુ માટે એક મોટી દુર્ઘટના છે. કદાચ તે એક સ્પષ્ટ સંકેત છે કે સામેવાળી વ્યક્તિ આપણને ‘અવોઈડ’ કરી રહી છે. એમના જવાબની અપેક્ષામાં થોડો સમય રાહ જોયા પછી નિરાશ થઈ જનારા આપણે એમને પૂછી જ લઈએ છીએ કે ‘જવાબ કેમ ન આપ્યો ?’. એ પ્રશ્ન પૂછાયા પછી સામેની વ્યક્તિ જવાબ આપતી નથી, જવાબ બનાવતી હોય છે. સાહજિક અને નિખાલસતાથી ચાલતા સંબંધોનો એ સૌથી ‘કૃત્રિમ’ તબક્કો હોય છે જ્યારે જવાબો આપવાને બદલે, જવાબો બનાવવા પડે. જવાબ માંગવાની આપણી જીદ ક્યારેક જુઠ્ઠાણા અને દંભનું ઉત્પાદન કરતી હોય છે.

ગમતી વ્યક્તિ પાસેથી જવાબ ન મળવો, એ પણ એ પ્રકારનો જવાબ જ છે. એનો સ્વીકાર કરવાને બદલે આપણે એમના જવાબનો જવાબ માંગીએ છીએ. એ વાત સ્વીકારતા આપણને વાર લાગશે કે અતિ પ્રિય કે બહુ જ ગમતી વ્યક્તિ પણ ક્યારેક આપણી સાથે વાત કરવાના મૂડમાં ન હોય. આપણા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો સતત અને એકધારો સ્વીકાર કોઈના પણ દ્વારા શક્ય નથી. એમના દ્વારા પણ નહીં જે આપણને પ્રેમ કરે છે.

ગમતી વ્યક્તિ જવાબ ન આપે, એના આપણે કેટલા બધા અર્થો કાઢી લેતા હોઈએ છીએ. એનો સરળ અને સીધો અર્થ એટલો જ થાય કે અત્યારે એમને શબ્દોની નહીં, મૌનની આપ-લે કરવી છે. વધારે પડતા શબ્દો, મેસેજીસ કે લાંબા વાર્તાલાપનો પણ ક્યારેક થાક લાગતો હોય છે. જે ક્ષણે આપણે કોઈની પાસેથી સતત જવાબ મેળવવાની અપેક્ષા રાખીએ છીએ, એ ક્ષણે આપણો સંબંધ એમના માટે જવાબદારી બની જતો હોય છે. અને જવાબદારીઓ હંમેશા વજનદાર હોય છે. ગમતા સંબંધોની નીચે ક્યારેય ફૂદ્દડી કરીને ‘શરતો લાગુ’ એવું લખેલું નથી હોતું. કેટલાક સંબંધો બિનશરતી હોય છે. એમાં જવાબ આપવાની ઔપચારિકતા પણ જરૂરી નથી હોતી.

દરેક વ્યક્તિ પોતાની અંગત લડાઈ લડવામાં અને લાગણીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલી હોય છે. એમનો જવાબ ન આવવો, એ આપણા પ્રત્યે તેમની ઉદાસીનતા કે અવગણના કરતા તેમની મજબુરી વધારે હોય છે. ગમતી વ્યક્તિ કાયમ આપણી સાથે વાત કરવા માટે તૈયાર જ હોવી જોઈએ, એવી અપેક્ષા ક્યારેક જીવલેણ હોય છે. જવાબ ન આપવાની છૂટ અને મોકળાશ દરેક ગમતા સંબંધમાં મળવી જોઈએ. શબ્દો બનાવટી હોય શકે, મૌન કે અબોલા ક્યારેય નહીં. આપણને રાજી રાખવા માટે કોઈએ બનાવેલા જવાબો કરતા, એમનું પ્રમાણિક મૌન આપણને વધારે ગમશે. અને આમ પણ, જો એ વ્યક્તિ ખરેખર આપણી નજીક હશે તો એમનો જવાબ આપણને ખબર હશે. જો અને જ્યારે એમના જવાબ વિશે આપણને શંકા હશે, તો અને ત્યારે જ આપણે પૂછવું પડશે કે ‘જવાબ કેમ ન આપ્યો ?’.  કોઈપણ સંબંધનો એ સૌથી ઉચ્ચ તબક્કો હોય છે જ્યારે એમણે આપેલા જવાબ કરતા પણ એમણે નહીં આપેલા જવાબ પર આપણને વધારે વિશ્વાસ હોય. કેટલાક જવાબો લખવાના કે બોલવાના નથી હોતા, ફક્ત સમજી લેવાના હોય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

4 thoughts on “જવાબ કેમ ન આપ્યો ?

  1. મનોભાવો ની ખૂબ જ સુંદર અભિવ્યક્તિ.
    વખાણવા માટે શબ્દો જડતા નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: