
‘આત્મહત્યા કરવા જાય છે ? પહેલા કોફી પીતો જા.’ આપણી લાઈફમાં ઓછામાં ઓછો એક મિત્ર એવો હોવો જોઈએ, જે આપણને આવું કહી શકે. એક એવો મિત્ર જેની સાથે કોફી કે ચા પીધા પછી જિંદગીને બીજી તક આપવાનું મન થાય. એક એવો મિત્ર જે જીવનમાં આવેલા અંધારામાં સિગરેટ સળગાવીને અજવાળું લાવી શકે અને હસતા મોઢે કહેતો હોય કે ‘આ પી લે અને જે વીતી ગયું એનો ધુમાડો કરી નાખ. આત્મહત્યા કરતા આ ઓછું નુકશાન કરશે.’
ક્યારેક એવું લાગે છે કે જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે, સંજોગો સાથે નહીં. માણસનો ખરાબ સમય જેટલું નુકશાન નથી કરતો, એનાથી વધારે અસર એ ખરાબ સમય દરમિયાન થતા વિચારોથી થાય છે. નિષ્ફળતા હોય કે હતાશા, માણસને એ પરિસ્થિતિ નહીં પણ વિચારો થકવી નાખે છે. લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હોય, કોઈ બીઝનેસમાં મોટો લોસ થયો હોય કે પ્રેમિકાએ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા હોય. આપણા દરેકની લાઈફમાં એક એવો મિત્ર હોય જ છે જેની પાસે આપણા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. એના સ્ટુપીડ આઈડિયા કદાચ અમલમાં મૂકવા જેવા ન પણ હોય પરંતુ એના સ્ટુપીડ આઈડિયા દ્વારા આવા નિરાશાના સમયમાં પણ એ આપણને હસાવી શકશે. આપણી સૌથી મોટી સમસ્યા એ હોય છે કે આપણી સમસ્યાઓને આપણે મેગ્નીફાયિંગ ગ્લાસથી જોતા હોઈએ છીએ. એ સમસ્યા આપણને એટલી મોટી લાગવા લાગે છે કે જીવનનો અંત લાવવાની ઈચ્છા થઈ આવે. આવા સમયે એક મિત્ર એવો હોવો જોઈએ જે સાક્ષી ભાવે આપણી તકલીફો સાંભળીને ખભા પર હાથ મૂકીને કહી શકે, ‘આ તો કાંઈ પ્રોબ્લેમ જ નથી યાર.’
દુઃખના ચોમાસાની એ ખાસિયત હોય છે કે નિરાશાના વાદળો ભલે ને ગમે તેટલા ઘેરાયેલા હોય, આ વાદળછાયું વાતાવરણ કાયમ નથી રહેવાનું. સુખનો સૂર્યપ્રકાશ ક્યારેક તો આપણા પર પડશે જ. જરૂર હોય છે તો ફક્ત એ ખરાબ મોસમમાં ટકી રહેવાની. આવા ખરાબ મોસમમાં આપણી સમસ્યાઓનો ઉકેલ મળે કે ન મળે, એક એવો મિત્ર શોધી કાઢો જે છત્રી લઈને આપણી બાજુમાં ઉભો રહે અને કાં તો આપણી સાથે પલળી શકે. જિંદગીમાં કોઈ એવો મિત્ર હોય જેના ખભા પર માથું મૂકીને આપણે રડી શકીએ અથવા આપણી તકલીફો પર જે આપણી સાથે રડી શકે, તો એ મિત્ર આપણી સૌથી મોટી મૂડી છે.
પદવી, પોઝીશન, પોપ્યુલારીટી, પૈસા ગમે તેટલા હોય પણ એ માણસને આત્મહત્યા કરતા નથી રોકી શક્તા. એ કામ તો મિત્ર જ કરતો હોય છે. આપણા સહુના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવતો જ હોય છે જ્યારે એવું થાય કે બહુ ચાલી આ શ્વાસની રમત, બહુ ફિલ્ડીંગ ભરી જિંદગીમાં. હવે ‘ટાઈમ પ્લીઝ’ કહીને ગ્રાઉન્ડની બહાર નીકળી જઈએ. બસ, એવા સમયે ગ્રાઉન્ડની બહાર જતા પહેલા એવા મિત્રને જાણ કરજો જેના પર તમને સૌથી વધારે ભરોસો હોય. મને ખાતરી છે કે એ તમને રોકી લેશે અને કહેશે, ‘દાવ લઈને જા.’
આપણી આત્મહત્યા અને જિંદગી વચ્ચે બસ એક ફોન કોલ અને અહંકારનું અંતર રહેલું હોય છે. જેમ સારવાર માટે ‘સેકન્ડ ઓપિનિયન’ લઈએ છીએ, એમ મૃત્યુનો નિર્ણય લેતા પહેલા પણ સેકન્ડ ઓપિનિયન લઈ લેવો. જિંદગીની સૌથી અમૂલ્ય સલાહ કોઈ જ્ઞાની કે ફિલોસોફર પાસેથી નહીં, મિત્ર પાસેથી જ મળતી હોય છે. પ્રોબ્લેમનું સોલ્યુશન ન મળે તો કાંઈ નહીં, ક્યારેક કોઈની સાથે પ્રોબ્લેમ શેર કરવાથી પણ ઘણી નિરાંત મળતી હોય છે. તકલીફો ગળે પડે ત્યારે મિત્રને ગળે મળીને રડી લો અને કહી દો એને કે ‘યાર, એક પ્રોબ્લેમમાં છું.’ અને એ જીવતા રહેવા માટેનું કારણ શોધી આપશે.
-ડૉ. નિમિત્ત ઓઝા
બિલકુલ સાચું.
દોસ્ત બાળક ની જેમ તમે જે છો એમ જ સ્વીકારે છે. જીંદગી તેના મૂળ સ્વરૂપમાં જીવવા માં આવે તો ફ્લો જળવાતો હોય આનંદ પામી શકાય.
LikeLiked by 1 person
True
LikeLike
Very nice nd meaningful.
LikeLiked by 1 person
👍👍😊
LikeLike
Very true.
A friend will definitely say:
Sale meri condition tere se kharab hai phir bhi ji raha hun.. Tu kaise mar sakta hai.. Tu bhi jel zindagi ko. 😆😂
LikeLiked by 1 person
😀
LikeLike