સુખનું સરનામું આપો

Video Courtesy: You tube શીર્ષક પંક્તિ : ડૉ. શ્યામલ મુનશી

સુખ હંમેશા સબ્જેક્ટીવ હોય છે. ખુશ રહેવાની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી હોતી. ‘ખુશ રહેવું’ એ કોઈ ઉપલબ્ધિ નથી, તે એક આવડત છે. અને આદત પણ. ખુશ રહેવાની આદત પાડવા માટે આ રહ્યા સૌથી સરળ રસ્તાઓ.

૧. સરખામણી ન કરો : સંતોષ એ સુખ મેળવવાનો ‘પીન નંબર’ છે. એ સુખી થવાની પૂર્વશરત છે. જો તમે વધારે પડતા મહત્વકાંક્ષી છો, તો એનો અર્થ એટલો જ છે કે તમે તમારા વર્તમાનથી સંતુષ્ટ નથી. અને જો તમે વર્તમાનથી સંતુષ્ટ નથી, તો એવી કોઈ ગેરંટી નથી કે ભવિષ્યમાં મહત્વકાંક્ષા પૂરી થયા પછી સુખ મળશે. સુખ વસ્તુ, વ્યક્તિ, પરીસ્થિતિ, પૈસા કે ઉપલબ્ધિમાં નથી રહેલું. સુખ ફક્ત અભિગમમાં રહેલું છે. કોઈપણ સ્તરે, કોઈપણ સમયે, કોઈપણ સ્થળે કોઈ અન્ય સાથે ‘સરખામણી’ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ડ્રગ્સ કે સિગરેટ જેટલી જ હાનિકારક છે.

૨. સ્વીકાર: એ જ દુનિયાની સૌથી મોંઘી કાર છે કારણકે જે વ્યક્તિ પાસે ‘સ્વીકાર’ છે, એ સૌથી ધનિક છે. જિંદગી એ આપણે અપેક્ષિત કરેલી, ઇચ્છનીય કે ગમતી ઘટનાઓનો સંગ્રહ નથી. એ અનિશ્ચિતતાનું બીજું નામ છે. આમંત્રણ ન આપેલું હોવા છતાં પણ વિપરીત પરીસ્થિતિઓ કે પ્રતિકુળ સંજોગો કોઈપણ ક્ષણે આપણા દરવાજા પર ડોરબેલ વગાડી શકે છે. જે સંજોગો આપણે બદલી નથી શકવાના એમનો વિરોધ, ફરિયાદ કે અસ્વીકાર કરવા કરતા એમનું સ્વાગત અને સત્કાર કરવું, એ વધારે હિતાવહ છે. જગતની કોઈ ક્ષણ કાયમી નથી. બધું જ પસાર થઈ જવાનું છે. જ્યાં સ્વીકાર મળે છે, ત્યાં દુઃખને કાયમ અગવડ પડવાની છે.

૩.માફી માંગી લો અથવા માફ કરી દો : કોઈપણ સંબંધમાં રહેલી કડવાશમાંથી બહાર નીકળવાનો સૌથી સરળ રસ્તો ‘માફી’ છે. ક્ષમાએ શાંતિ મેળવવા માટેની પ્રાથમિક જરૂરીયાત છે. કોઈપણ જાતનો બદલો લેવાની ભાવના આપણને સતત બીમાર રાખે છે. માફી એ કોઈપણ સમસ્યામાંથી બહાર આવવાની શાંત, સરળ અને અસરકારક પદ્ધતિ છે. સામેવાળાને માફ કરી દેવા, એ ક્યારેક આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. સામેવાળો એને લાયક હોય કે ન હોય, જો એ દ્વેષભાવમાંથી બહાર આવવા માટે આપણે પોતાની જાતને લાયક માનતા હોઈએ, તો માફી એક માત્ર સોલ્યુશન છે. ફક્ત બીજાને જ નહીં, પોતાની જાતને પણ આપણે સમયસર માફ કરી દેવી જોઈએ. 

૪. જવા દો યાર: પસાર થઈ રહેલી દરેક ક્ષણ ભૂતકાળ બનતી જાય છે. કડવા કે ખરાબ ભૂતકાળને ભૂલી જવો, એ ટેલેન્ટ છે. ધારદાર કે તીક્ષ્ણ ભૂતકાળને પકડી રાખવાથી ફક્ત હથેળીઓ જ નહીં, આપણું ચિત્ત પણ ઈજાગ્રસ્ત થતું હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘટનાઓ આપણને ક્યારની છોડી ચૂકી હોય છે પણ આપણને તેને છોડવા તૈયાર નથી હોતા. જતું કરવું કે ભૂલી જવું એ આપણા સ્વમાનની હાર નથી, એ આપણા ઉદાર અને નીરોગી ચિત્તની જીત છે. ઉદારતા એ જાતને ખુશ રાખવા માટેનો ‘સિક્રેટ’ રસ્તો છે.

૫. અન્યને ખુશ રાખો : ખુશી લણવા માટે, ખુશીનું વાવેતર કરવું જરૂરી છે. જે લાગણી આપણે આપણી આસપાસ રહેલા લોકોને આપીએ છીએ, એ જ લાગણી આપણને પાછી મળવાની છે. સુખનો સૌથી મોટો ગુણ એ છે કે એનું વિભાજન કે વહેંચણી કરવાથી એ બમણું થાય છે. ઈશ્વરના કોથળામાં આપણી માટે ‘ખુશીઓ’ અને ‘આનંદ’નો ખજાનો ભરેલો હોય છે. એ ફક્ત તપાસવા માંગે છે કે આપણે એને લાયક છીએ કે નહીં. કોઈ રડતા બાળકના ચહેરા પર લાવેલું સ્મિત, કોઈ ઉદાસ વ્યક્તિને કરેલું હગ, કોઈ બીમાર વ્યક્તિને આપેલું હાસ્ય કે કોઈ મહેનતુ વ્યક્તિને આપેલું સન્માન અને રીવોર્ડ આપણને પણ આનંદમાં રાખે છે. સુખ બમણા વેગ અને જથ્થામાં ‘રીબાઉન્ડ’ થાય છે. એને કાયમ વહેંચતા રહેવું.

૬. શ્રદ્ધા રાખો : ‘જે કાંઈ બની રહ્યું છે, એ સારા માટે જ છે’ એવું વિચારવું એ જાત સાથે છેતરપિંડી નથી, એ શ્રદ્ધા સાથેની ભાઈબંધી છે. ઈશ્વરમાં, સમયમાં કે પોતાની જાતમાં, શ્રદ્ધાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં હેવી રીટર્ન્સ મળતા હોય છે. આ જગતમાં સૌથી વધુ તકલાદી વસ્તુ કોઈ હોય તો એ ‘સમય’ છે. દરેક ક્ષણે તૂટતો જાય છે અને આગલી ક્ષણે નવો આવે છે. સમય બદલાતા વાર નથી લાગતી, બસ અભિગમ બદલતા વાર લાગે છે. ખરાબ સમય, દુઃખ કે તકલીફો એ બીજું કાંઈ નથી પણ આવનારા સુખ અને સારા દિવસોનું એડવાન્સ બુકિંગ છે.

૭. ફેમિલી સાથે મહત્તમ સમય પસાર કરો : તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે મૃત્યુની પથારી પર રહેલી વ્યક્તિને સૌથી વધારે અફસોસ એ વાતનો હોય છે કે તે પોતાના કુટુંબ અને મિત્રો સાથે પૂરતો સમય પસાર ન કરી શકી. સ્વજનો સાથે ગાળેલો સમય હંમેશા સુખની વૃદ્ધિ કરતો હોય છે. સમયના ભોગે કમાયેલા પૈસા કરતા પૈસાના ભોગે વિતાવેલો સમય છેલ્લા શ્વાસ સુધી યાદ રહેતો હોય છે. આપણા મા-બાપ, મિત્રો, સ્નેહીઓઅને સંતાનોનો સ્પર્શ, તેમની સાથેની વાતચીત અને તેમની સાથેનું હાસ્ય આપણા ટકાઉ અને ભરોસાપાત્ર સુખનું સરનામું છે.

૮. ખૂબ પ્રવાસ કરો : લાંબો કે ટૂંકો, દરેક પ્રવાસ આપણને એક નવો અનુભવ આપે છે. પ્રવાસ જિંદગી પ્રત્યેનો આપણો અભિગમ બદલી નાખે છે. વર્ષમાં ઓછામાં ઓછા બે વાર કોઈ એવા સ્થળે જવું જોઈએ જ્યાં પહેલા ક્યારેય નથી ગયા. શક્ય એટલા પ્રકૃતિની નજીક. આપણા સઘળા દુખો, બધી તકલીફો અને તમામ માનસિક પીડાઓનો ઉપાય પ્રકૃતિ પાસે છે. રણ,પર્વતો, નદીઓ, જંગલો, મેદાનો, ખેતરો, ઝરણાઓ, ધોધ,પક્ષીઓ, પ્રાણીઓ. પ્રકૃતિ પાસે એક એવો‘હિલીંગ પાવર’ છે, જે આપણા ચિત્તને નિરાંત અને શાંતિ આપે છે. પીકનીક, પ્રવાસ, ટ્રેકિંગ કે કેમ્પીંગ. ખુશ રહેવાનો સરળ ઉપાય જ એ છે કે શરીર ગતિમાં હોવું જોઈએ અને મન સ્થિર.

૯. ‘વર્ચ્યુઅલ’ વિશ્વ છોડીને વાસ્તવિક વિશ્વમાં પ્રવેશો : એક વાત નિર્વિવાદ છે કે ‘સોશિયલમીડિયા’નો વધુ પડતો ઉપયોગ ડિપ્રેશન કરે છે. જેટલો વધારે સમય આપણે ઓનલાઈન હોઈએ છીએ, એટલો વધારે સમય આપણે ‘આભાસી’ કે‘કૃત્રિમ’ વિશ્વમાં વિહરતા હોઈએ છીએ. આપણી જિંદગીમાં ખોવાઈ ગયેલો કે ખોવાઈ રહેલો આનંદ, સંતોષકેસેલ્ફ-એસ્ટીમમેળવવા માટે આપણે ‘વર્ચ્યુઅલ’ વિશ્વમાંભટક્યા કરીએ છીએ. અને અંતે વધારે અસંતોષ સાથે પાછા ફરીએ છીએ. જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જાણ્યે-અજાણ્યે ન ઈચ્છવા છતાં પણ આપણે એક‘સરખામણીની દુનિયામાં’ પ્રવેશ કરીએ છીએ. જ્યાં અન્ય લોકોની આભાસી, ભ્રામક અને માર્કેટિંગ કરવામાં આવેલી ‘ખુશીઓ’ કે‘ઉપલબ્ધિઓ’ નિહાળીને આપણે ઉદાસ થતા જઈએ છીએ અને આપણી જાતનેઅપૂર્ણ માનવા લાગીએ છીએ.

૧૦. અપેક્ષાઓ અને અભિપ્રાયો : જાતને ખુશ રાખવાના પ્રયત્નોમાં આ બંને સૌથી મોટા અવરોધો છે. દુઃખની સુપરફાસ્ટ એક્સપ્રેસનું પહેલું સ્ટેશન અપેક્ષાઓ છે. હતાશા, ઉદાસી અને તકલીફો માર્ગમાં આગળ આવતા મુકામો છે. જે ક્ષણે આપણે જાતને કોઈ અપેક્ષા સાથે બાંધીએ છીએ, એ જ ક્ષણે આપણે દુઃખી થવાની તૈયારી શરૂ કરી દેતા હોઈએ છીએ. એ જરીતે અન્ય કોઈના અભિપ્રાયો પર જિંદગી જીવવી, એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતા પણ વધારે હાનિકારક છે. સુખી થવાનો રસ્તો એ જ છે કે આપણું શ્રેષ્ઠ આપતા રહેવું અને ભૂલી જવું. પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી પ્રયત્નો કરવા અને પરિણામની જવાબદારી ઈશ્વર પર છોડી દેવી.

૧૧. કંઈક નવું શીખતા રહો : દરેક નવી વાત, નવી તાલીમ, નવી માહિતી આપણામાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે. સક્રિયતા એ આપણા જીવનનો ધબકાર છે. નિષ્ક્રિયતા આપણને ઉદાસી અને નિરાશા તરફ લઈ જાય છે. નવું શીખતા રહેવાની પ્રક્રિયા આપણા સ્વ-સન્માન અને આત્મ-વિશ્વાસને પોષણ આપતી રહે છે. ખુશી એ જ પ્રક્રિયાની‘બાય-પ્રોડક્ટ’ છે. ‘મોનોટોની’ આપણા સહુ કોઈ માટે કંટાળાજનક અને બોરિંગ હોય છે. ‘શીખતા’ રહેવું એટલે ‘જીવતા’ રહેવું.

૧૨. કૃતજ્ઞતા: એવા કેટલાય લોકો હશે જે રાતે સૂતા પછી, સવારે ઉઠી નથી શક્તા. રોજ સવારે ઉઠીને સૌથી પહેલી પ્રતીતિ એ કરવી જોઈએ કે ઈશ્વરે આપણને જીવતા રાખ્યા છે. વધુ એક દિવસ જીવવાનો ચાન્સ આપ્યો છે. જ્યારે જ્યારે ઉદાસ હોઈએ ત્યારે આપણી પાસે રહેલી વસ્તુઓ અને વ્યક્તિઓનું લીસ્ટ બનાવવું. ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરનો આભાર માની શકાય, એવું ઘણું બધું આપણી પાસે છે. શું નથી મળ્યું અથવા શું પામવાનું બાકી છે, એના પર ફોકસ કરવાના બદલે, આપણી પાસે જે છે એની ઉજવણી કરવી, એ ખુશ રહેવાનો સૌથી સરળ રસ્તો છે.  

૧૩. જે ગમે એ કરો અને જે કરો એને ગમાડો : ખુશ રહેવાનો ખાનગી મંત્ર એ છે કે ‘જેમાં મજા પડે, એ જ કરો.’ અને સફળતા તમને ફોલો કરશે. ઈચ્છાવિરુદ્ધ કરેલું કોઈપણ કામ ક્યારેય આનંદ ન આપી શકે. જે જે ગમ્યું છે, એ બધું જ મળે તો એ આનંદ. અને જે જે મળ્યું છે, એ બધું જ ગમવા લાગે તો એ સુખ. આ વિશ્વમાં આપણી મંજૂરી સિવાય કોઈ આપણને દુઃખી કરી શકે તેમ નથી. આ જગતમાં આપણી પોતાની જાત સિવાય બીજું કોઈપણ આપણને ખુશ કરી શકે તેમ નથી.

૧૪. દાનકે મદદ કરો : એ આશ્ચર્યજનક છે કે અન્યને કોઈપણ પ્રકારની મદદ કરવાથી આપણા મગજમાં સિરોટોનીન અને ઓક્સીટોસીન જેવા રસાયણો ઉત્પન્ન થાય છે. જેના કારણે મૂડ સારો થાય છે. આપણી જૂની અને બિનજરૂરી વસ્તુઓ કે કપડાઓ કોઈને આપવાથી, કોઈ જરૂરીયાતમંદને આર્થિક મદદ કરવાથી, કોઈને ભોજન કરાવવાથી, કોઈને ગીફ્ટ આપવાથીઆપણે આનંદમાં રહી શકીએ છીએ. ઉદારતા એ ખુશ રહેવા માટેની જરૂરીયાત છે. કોઈપણ વસ્તુનો બિનજરૂરી સંગ્રહ એ માનસિક દરિદ્રતાની નિશાની છે. વહેંચવાથી આપણને કાયમ સારુ અને પોઝીટીવ ફીલ થશે. મદદ કોઈપણ પ્રકારની હોય શકે. ગાડીનો દરવાજો ખોલી આપવાથી લઈને પાણી કે ચા પીવડાવવા સુધી, દયા કે કરુણાનો નાનામાં નાનો અંશ આપણને સુખ તરફ લઈ જાય છે.

૧૫. પ્યાર બાંટતે ચલો: પ્રેમ, સ્નેહ, સમભાવઅને કરુણા શાંતિ અને સુખ તરફ લઈ જાય છે. દ્વેષ, ઈર્ષા, નફરત અને દુશ્મની કાયમ તકલીફો આપે છે. સામે મળતા દરેક જણને પ્રેમઆપો. એટલા માટે નહીં કારણકે તેઓ સારા છે. પણ એટલા માટે કારણકે આપણે સારા છીએ.

એક વાત કાયમ યાદ રાખવી રહી કે ‘ખુશી’ કે‘આનંદ’ એ પરીસ્થિતિ નથી, એ પસંદગી છે. સંજોગો કોઈપણ હોય, આનંદમાં રહેવું કે ઉદાસ, એની પસંદગી આપણે જ કરવાની હોય છે. સુખી રહેવું એ કોઈ કાર્ય નથી, એ એક આદત છે. અને એ આદત આપણા અભિગમ પર આધારિત છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

2 thoughts on “સુખનું સરનામું આપો

  1. Hamna hu khup depressionma chhu.Mare su karvu kai khabar padti nathi.Hu pan Canada ma dikrine tya chhu.Lockdown na lidhe flights band chhe.pan hu india ma ekli Rahu chhu ena karta ahiya family sathe chhu to pan depression Ave chhe shu karu

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: