આખરે તો આ બધી મથામણ કર્મફળ સાથેનું સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા માટેની છે. કર્મના પરિણામનો મોહ રાખ્યા વગર પૂરી સમગ્રતાથી ‘ક્રિયામય’ થઈ જવાની ઘટના એટલે યોગ. જ્યાં સુધી આપણી અંદર રહેલો કર્તા એટલે કે ‘હું’ જીવે છે, ત્યાં સુધી જ તકલીફો છે. યાતનાઓમાંથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે. કર્તાભાવમાંથી મુક્તિ. આ વાત જેટલી સરળતાથી લખી કે વાંચી શકાય છે, કાશ એટલી જ સરળતાથી અમલમાં પણ મૂકી શકાતી હોત. કમનસીબે, કર્તામાંથી નીકળીને ક્રિયામાં પ્રવેશતા ક્યારેક આખું આયખું નીકળી જાય છે અને છતાં આ વાત નથી સમજાતી.
આપણે દુઃખી ત્યારે જ થઈએ છીએ જ્યારે આપણા દ્વારા થયેલું કર્મ આપણે ‘ક્લેઈમ’ કરવા લાગીએ છીએ. એ ક્લેઈમની સાથે આવે છે કર્તાભાવ. અને કર્તાભાવની સાથે આવે છે સ્ટ્રેસ, અપેક્ષા અને અસંતોષ. બસ, એટલી જ સમજણ કેળવવામાં જિંદગી પસાર થઈ જાય છે કે આપણે કર્મના વાહક છીએ, માલિક નહીં. આપણે તો ફક્ત કૃષ્ણનું એક પબ્લિક ટ્રાન્સપોર્ટ છીએ, જે કર્મની હેરાફેરી કરે છે. કર્તાના રોલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, સાક્ષીના રોલમાં પ્રવેશવું. આપણે પિક્ચરના હીરો નથી, ઓડિયન્સ છીએ. આપણા દ્વારા કે આપણી સાથે થતી તમામ ઘટનાઓને જો આપણે સાક્ષીભાવે જોવાની પ્રેક્ટીસ કરી શકીએ, તો યોગની દિશામાં એ પહેલું પગલું ગણાશે.
ઓશોની એક વાર્તામાં એક વૃક્ષ નીચે ઉભા રહીને વર્ષો સુધી લૈલાની પ્રતીક્ષા કરતા કરતા મજનું એ વૃક્ષના થડનો હિસ્સો બની જાય છે. પ્રતીક્ષા કરનારમાંથી એ ખુદ પ્રતીક્ષા બની જાય છે. કોઈપણ ક્રિયામાં થતી કર્તાના વિલીનીકરણની આ ઘટના એટલે યોગ. આપણે નામ નથી, ક્રિયાપદ છીએ. કર્તા નથી, કર્મોના વહન માટેનું સાધન છીએ. હું તબીબ નથી, પણ તબીબી સારવારની પ્રક્રિયા છું. હું લેખક નથી પણ લેખનની પ્રક્રિયા છું. આ વાત આપણને દરેકને લાગુ પડે છે. ગીતાના કર્મયોગમાં કૃષ્ણએ જે ‘નિષ્કામ કર્મ’ની વાત કરી છે, એ આ જ તો છે. ‘ડેથ ઓફ ડૂઅરશીપ’. દરેક પરીસ્થિતિમાં આપણે એક ત્રિકોણ બનાવવાનું છે. એ ત્રિકોણના બે ખૂણાઓ શરીર અને મન છે. ત્રીજે ખૂણે સાક્ષી છે. આપણો પ્રયત્ન એ ત્રીજો ખૂણો પકડી રાખવાનો છે. જો આપણે એ ત્રીજે ખૂણે ઉભા રહી શકીએ, તો કર્તાભાવમાંથી છટકી શકીએ. આ સાક્ષી ભાવની સમજણ એટલે અવેરનેસ. ‘ડૂઅરશીપ’ કે કર્તાભાવની સભાનતા ગુમાવીને કોઈપણ જાતના ક્લેઈમ કે એટેચમેન્ટ વગર કરેલું કર્મ એટલે અકર્મ. અને યોગ એટલે એ પ્રક્રિયા જેમાં કર્તા ઓગળીને ક્રિયામાં ભળી જાય.
આપણે કર્તામાંથી ક્રિયાપદ બની જઈએ, ત્યારે કૃષ્ણને પામી શકીએ. નરસિંહ મહેતા કે મીરાંબાઈ કૃષ્ણ સમીપે એટલે પહોંચી શક્યા કારણકે તેઓ સાધકમાંથી સાધના બની ગયા. ક્રિયામાં ઓતપ્રોત થઈને જાતને ભૂલાવી દેવી, એ શામળીયા સુધી પહોંચવાનો કદાચ એક માત્ર રસ્તો છે. જ્યાં સુધી કર્મમાંથી કર્તા અને ‘ક્લેઈમ’ની બાદબાકી નહીં થાય, ત્યાં સુધી કૃષ્ણને પામવા અઘરા છે. આ કેપિટલ ‘આઈ’ અને કર્તા ઓગાળવાની કસરત અને મથામણ એટલે આધ્યાત્મ. કૃષ્ણને પામવા ક્રિયાપદ થવું પડે, કર્તા નહીં.
-ડૉ. નિમિત્ત ઓઝા
Great Great Great…
LikeLiked by 1 person
એકદમ સટિક. કર્મ ની થિયરી વિષયે આટલી સરળ ભાષામાં કંઈ જ વાંચેલ નથી. અભિનંદન સાહેબ, તમે ખૂબ જ સારા ડોક્ટર તો છો જ પણ તમારા માં રહેલો લેખક હવે તેના કરતા પણ ચડીયાતુ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ફરી હ્રદય પૂર્વક અભિનંદન.
LikeLiked by 1 person
it’s amazing. 🙂
LikeLike