એને ઝીગાર્નીક ઈફેક્ટ કહેવાય. ‘અધૂરા કામ આપણી યાદશક્તિમાં લાંબો સમય સચવાય છે, જ્યારે પૂર્ણ થયેલા કામ ભૂલાઈ જાય છે.’ અપૂર્ણતા યાદગાર હોય છે. આમ તો આ દરેક જગ્યાએ લાગુ પડે છે પણ સૌથી વધારે પ્રેમમાં.
અધૂરો રહી ગયેલો પ્રેમ હંમેશા ચિરંજીવી હોય છે કારણકે આપણી સ્મૃતિમાં એ કાયમને માટે જડાઈ જાય છે. અધૂરો પ્રેમ આપણી યાદ-શક્તિનો જમાઈ બની જાય છે. એને ફક્ત ખાન-પાન જ નહીં, માન પણ આપવું પડે છે. અધૂરો પ્રેમ ફક્ત યાદગાર જ નહીં, શાનદાર જબરદસ્ત અને ઝિંદાબાદ હોય છે. કારણકે એમાં પૂર્ણ થવાની અનેક શક્યતાઓ અને કલ્પનાઓ હોય છે.
સર્વાંગ પૂર્ણતા બોરિંગ હોય છે. એ પ્રેમ હોય કે સંજોગો, પરફેક્શન ન તો આપણને સદે છે, ન તો યાદ રહે છે. એ વેબ-સિરીઝ હોય કે પ્રિયજન સાથેની મુલાકાત, અધૂરી રહી ગયેલી દરેક વસ્તુ આપણને વારંવાર એ તરફ આકર્ષ્યા કરે છે. પૂર્ણતા બહુ જલદી વિસરાઈ જાય છે. અધૂરી રહી ગયેલી કિસ અને કોફી ક્યારેય ઠંડી નથી પડતી.
અપૂર્ણતાથી છલકાતી ગરમાગરમ યાદોની એ વરાળ, એકલતાની કડકડતી ઠંડીમાં આપણને ઉષ્મા અને હૂંફ આપ્યા કરે છે. જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.
ટીવી કે વેબ-સિરીઝની જેમ વ્યક્તિગત જીવનમાં પણ પ્રેમનો એપિસોડ એ તબક્કે ડ્રોપ થવો જોઇએ કે આપણને ભવિષ્ય અંગે ક્યુરીઓસીટી રહ્યા કરે. અચાનક છૂટી ગયેલો હાથ, બંધ થયેલા મેસેજીસ, બ્લોક્ડ થયેલા એકાઉન્ટ્સ, રીજેક્ટ થયેલા કોલ્સ અને જવાબ મળ્યા વગર બ્લ્યુ-ટીક થઈને એના ઈન-બોક્સમાં પડેલા આપણા મેસેજીસ આપણી ચાહતને વધુ યાદગાર બનાવે છે. એક સંબંધ, જીવન, સદી કે યુગ ભલે પૂરો થઈ જાય પણ પ્રેમ હંમેશા અધૂરો રહે છે. અને અધૂરો પ્રેમ અશ્વત્થામા જેવો હોય છે. એ અવિનાશી અને અમર હોય છે. એ સમાપ્ત થયાની તમે અફવાઓ ફેલાવી શકો, સાબિતી ન આપી શકો.
-ડૉ. નિમિત્ત ઓઝા (all © reserved)
Adhuro Prem sari yad bani dil ma rahe to saru…. Many a times a heart that is anguished with sorrow reacts with jealousy and disrupts others as well…
Best wishes to all those who are keeping the treasure of unfulfilled love in their hearts…. 💗
LikeLiked by 1 person
True ☺️☺️
LikeLike