મહાપ્રસ્થાન તો એકલા જ કરવું પડશે

મારા જન્મ-દિવસે મારો ફોન બંધ હતો. જાણી-જોઈને બંધ રાખેલો. એવું નક્કી કરેલું કે ત્રીજી ઓક્ટોબરે એ વ્યક્તિને મળવું છે, એક્ચ્યુઅલમાં જેનો જન્મ થયેલો. લોકોના વેલીડેશન, શુભેચ્છાઓ અને પ્રશંસા મેળવવામાં ક્યારેક આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે જાતને મળવાનું ચુકી જઈએ છીએ.

મેં મારી દીકરીને પ્રોમિસ કરેલું કે મારા આ જન્મ દિવસે હું સ્માર્ટ-ફોનને હાથ પણ નહીં લગાડું. આખો દિવસ તારી સાથે રમીશ. આંખોમાં આંખો નાખીને તારી વાતો સાંભળીશ. તારી સાથે ખુલ્લા મેદાનમાં દોડીશ. અને હકીકતમાં, મેં મારું પ્રોમિસ પાળ્યું. એના ભાગના પપ્પા વોટ્સ-એપ કે ફેસબુકની દુનિયામાં વહેંચાય જાય, એવું હું નહીં થવા દઉં.

ક્યારેય હોસ્પિટલ મિસ ન કરનારા ડૉ. નિમિત્તની સામે આ વખતે મેં એક દીકરીના પિતાને જીતવા દીધો. અને મને રીયલાઈઝ થયું કે આ મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. બધી જ અપોઈન્ટમેન્ટસ કેન્સલ કરીને મારા આ જન્મદિવસે હું એક અજ્ઞાત જગ્યાએ મારા ફેમીલી સાથે હતો. ચોવીસ થી છત્રીસ કલાક સુધી બાહ્ય જગત માટે હું non-existent હતો. મને બહુ મોડું સમજાયું કે આ જગતમાં જાતની ખોજથી વધારે અરજન્ટ કામ બીજું કશું જ નથી.

ફોનને સાયલન્ટ મોડ પર મૂકવાથી, અંદરનો અવાજ વધારે સ્પષ્ટ સંભળાય છે. આઈ મીન ઈટ. આ મેં હમણાં જ અનુભવ્યું છે. કોઈ બર્થ-ડે બમ્પ્સ નહીં, ફેન્સી-સ્પ્રે કે ડેકોરેશન નહીં. વ્હીસ્કીના જામ કે મિત્રોના ટોળા નહીં. આ જગતમાં એકલા આવ્યા હોવાની ઘટનાને, એકલા ઉજવવાની.

ફૂંક મારીને કશુંક ઓલવવાને બદલે, પ્રકૃતિ વચ્ચે રહીને જાતની અંદર કશુંક પ્રગટાવવાનું.

‘હેપ્પી બર્થ-ડે ટુ યુ’ નું વર્ષો જુનું ગીત સાંભળવાને બદલે, મોરના ટહુકા અને કોયલનો અવાજ સાંભળવાનો. ચહેરા પર કેક લગાડવાને બદલે, ફૂલોને સ્પર્શીને આવતા ઠંડા પવનને અનુભવવાનો. પાર્ટી શુઝને ‘પોલીશ’ કરીને ચમકાવવાને બદલે, ખુલ્લા પગે ભીના ઘાસ પર દીકરી સાથે દોડવાનું. જેમને ક્યારેય મળ્યા નથી, એવી આભાસી વ્યક્તિઓ સાથે મેસેજ પર વ્યસ્ત રહેવાને બદલે મમ્મી સાથે બેડમિન્ટન રમવાનું. ખુલ્લા આકાશની સાક્ષીએ પપ્પા સાથે કોફી શેર કરીને વર્ષો જૂની ભાઈબંધી ફરી સજીવન કરવાની. જીવાઈ ગયેલા જીવતરના સીક્રેટ્સ શેર કરવાના, આવનારા દિવસોની ચિંતાઓ કહી દેવાની.

ફેસબુક કે ઇન્સ્ટા કરતા વધારે નોટિફિકેશન્સ તો પત્નીની આંખોમાં હતા, જે મેં ક્યારેય ખોલ્યા નહોતા. આ જન્મ દિવસે અચાનક પ્રશ્ન થયો કે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં દીકરીના ચહેરા પર રહેલો વિસ્મય હું ક્યાંક ચૂકી તો નથી ગયો ?

મારી સામેથી જિંદગી પસાર થઈ રહી છે અને હું એને સ્માર્ટ-ફોનની આભાસી દુનિયામાં શોધી રહ્યો હતો. ચોવીસ કલાક ફોન બંધ કરવાથી એટલું તો સમજાય ગયું કે મારા વગર આ જગત અટકવાનું નથી. આપણે એટલા મહત્વના છીએ જ નહીં. આપણા ફોલ્સલી ઇન્ફલેટેડ ઈગોને ટાંકણી મારવી હોય, તો બે દિવસ ફોન બંધ કરી દેવો. આપણને રીયલાઈઝ થશે કે આ જગતને આપણી એટલી બધી જરૂર ક્યારેય હતી જ નહીં. એ તો આપણે આખા જગતનો ભાર અને જવાબદારી આપણા નાજુક ખભા પર લઈને ફરીએ છીએ. આપણા ગયા પછી આપણી હસ્તી, એ જ રીતે વિસરાઈ જશે જે રીતે જળમાંથી આંગળી કાઢ્યા પછી એ જગ્યા બુરાઈ જાય છે.

એકાંત આપણને સજીવન કરે છે, એકલતા મારી નાંખે છે. બંને વચ્ચેની અવસ્થામાં તફાવત ફક્ત ‘ઈચ્છા’નો હોય છે. સ્વેચ્છાએ અળગા અને એકલા રહેવાની અવસ્થાને એકાંત કહીએ છીએ, જ્યારે ઈચ્છા વિરુદ્ધની એ જ અવસ્થાને એકલતા. નક્કી આપણે કરવાનું છે. એકાંત વધારે ગમશે કે એકલતા ? કારણકે એક સત્ય કોઈ બદલી નથી શકવાનું કે જિંદગીના છેલ્લા શ્વાસ લેતા હશું ત્યારે હાથ પકડીને કોઈ એવું નથી કહેવાનું કે ચાલો, અમે સાથે આવીએ છીએ.

મહાપ્રસ્થાન તો એકલા જ કરવું પડશે. એ નિયતિ અનિવાર્ય છે, તો એની પ્રેક્ટીસ અત્યારથી જ શું કામ ન કરવી ?

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

4 thoughts on “મહાપ્રસ્થાન તો એકલા જ કરવું પડશે

 1. Digital fast is essential in this times… As it is said Advanced technology is indistinguishable from magic …its up to us to keep its magic alive by not getting attached and addicted with it.. Aabhasi vyakti na vicharo j tamne preri sake ane anusaro j aa technology no sarvotam upyog che…

  Liked by 1 person

 2. હું વિપશ્યના ધ્યાન શિબિરમાં જઉં ત્યારે 10/15/20/30 દિવસ માટે મોબાઈલ કે અન્ય કોઈ પણ પ્રકારનો સંપર્ક બાહ્ય જગત સાથે ન હોય. એવા સમયે આપણી અનિવાર્યતા ન હોવાની સચ્ચાઈની પ્રતીતિ વારેવારે થતી રહી છે.
  પરંતુ, શત પ્રતિશત સમય પરિવારને જ exclusively આપવો એવું નથી બન્યું.
  તમારી જિંદગીમાં અને એ વ્યસ્ત શિડ્યુલમાં આમ દુનિયાથી કટ-ઓફ રહેવું અઘરું છે.
  કોક વાર નિરાંતે one to one વિચારોનું આદાન-પ્રદાન કરવું ગમશે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: