એક્સપાયરી ડેટ

વૃક્ષમાં ક્યારેય પણ ખરી પડતા પાંદડાઓની શોકસભા નથી ભરાતી કારણકે વૃક્ષ એ પાંદડાઓની હયાતીનો ઉત્સવ, પાનખર આવે એ પહેલા ઉજવી લેતું હોય છે. પ્રકૃતિ એવું જ માને છે કે જે વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી આપણી સાથે છે, આપણી પાસે છે ત્યાં સુધી તેની ઊજવણી કરી લેવી જોઈએ. તે વ્યક્તિ કે વસ્તુના ગયા પછી સફેદ વસ્ત્રોના રુપમાં ઉદાસી પહેરીને જાહેરમાં અફસોસ યાત્રા કાઢવાનો કોઈ અર્થ નથી.

સમય દરેક માણસને અવસર આપે છે. પોતાની પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો, તેની સાથે સમય વિતાવવાનો, તેની સાથે યાદગાર ક્ષણો બનાવવાનો અને તેની સાથે જિંદગી જીવી લેવાનો અવસર દરેક માણસને મળતો હોય છે. આપણી પોતાની જિંદગી જીવી લેવાની દોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણી પ્રિય વ્યક્તિ સાથે ગાળવાનો સમય ધીમે ધીમે ઓગળતો જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી.

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ સાથે હોવાના અને કોઈ વ્યક્તિ સાથે સુખી હોવાના પુરાવાઓ આપણે તે વ્યક્તિ સાથે સેલ્ફી લઈને આપવા પડે છે. સંબંધોમાં રહેલા સુખનું ડોક્યુમેન્ટેશન આપણે આપણા હ્રદયમાં, આપણા મનમાં નથી કરી શકતા અને એટલે આપણે એ ફેસબુકમાં કરવું પડે છે.

સમૂહમાં હોવાના જ્યારે પુરાવાઓ આપવા પડે, ત્યારે સમજી લેવું કે આપણે ખરેખર બહુ એકલા છીએ.

આપણે નાના હતા ત્યારે બહુ હોંશભેર જન્મદિવસની ઉજવણી કરતા. મીણબત્તીઓને એક ફૂંક મારીને ઓલવી નાખતા ત્યારે મમ્મી પપ્પા બાજુમાં ઉભા રહીને તાળીઓ પાડતા પાડતા હેપ્પી બર્થ ડે ટુ યુ ગાતા હોય.

આપણે નાનપણથી જન્મદિવસની ઉજવણી ખોટી રીતે કરતા આવીએ છીએ. મોટા થયા પછી સમજાય છે કે જન્મદિવસની ઉજવણી કશુંક ઓલવીને નહિ, પણ કશુંક પ્રગટાવીને કરવી જોઈએ. આપણા જન્મદિવસના ફોટાઓ જોઈએને ત્યારે આપણને સમજાય કે બોસ આ તો બહુ મોટો લોચો થઈ ગયો. ફૂંક મીણબત્તીઓને નહોતી મારવાની, ફૂંક મારવાની હતી જન્મદિવસને અને ઉજવણી કરવાની હતી મમ્મી પપ્પાની. 

કાયમ એવું બનતું હોય છે કે ઉજવવા જેવી ઘટના આપણી બાજુમાં ઉભા ઉભા તાળીઓ પાડતી હોય છે અને આપણે સામે જોઇને ફૂંક માર્યા કરીએ છીએ.

મીણબત્તીઓની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું વધતું જાય અને મીણ ઓગળતું જાય. આ મીણબત્તીઓ એટલે આપણી આસપાસ રહેલા સંબંધો જે આપણને પ્રકાશ આપે છે, જે આપણને ઉજળા કરે છે. આ ઓગળતું જતું મીણ એટલે પસાર થઈ જતો સમય અને આ ઘેરાતું અંધારું એટલે સંબંધોની એક્સપાયરી ડેટ.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “એક્સપાયરી ડેટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: