એક ડૉક્ટર તરીકે અમારી પાસે બે પ્રકારના દર્દીઓ આવતા હોય. એક એવા પ્રકારના જેઓ કહેતા હોય, ‘કંઈક એવી દવા આપોને કે ભૂખ લાગે.’ અથવા તો એવું પૂછે કે ‘શું કરીએ તો ભૂખ લાગે ?’
અને બીજા એવા પ્રકારના દર્દીઓ જે કહેતા હોય, ‘ભૂખ તો લાગે છે પણ શું કરીએ ?’
ક્યારેક એવું લાગે કે આ બે જ પ્રશ્નો આખી માનવ સભ્યતાને વિભાજીત કરી નાખે છે. આ યાદ આવવા પાછળનું કારણ મારી સાથે હમણાં જ બનેલો એક પ્રસંગ છે.
મારી પાર્ક કરેલી કારની એક્ઝેક્ટ પાછળ એક લારી પડેલી હતી. એ લારીમાં ત્રણ બાળકો સૂતેલા. મારી ગાડી કાઢવામાં, એ લારી મને નડતરરૂપ હતી. મેં આસપાસ જોયું પણ લારીની માલિકી ક્લેઈમ કરે, એવું કોઈ મને દેખાયું નહીં.
મારી ‘સુંવાળી’ કાર કાઢવા માટે, જે લારીમાં ત્રણ ગરીબ બાળકો સૂતેલા હોય એને ધક્કો પણ કેવી રીતે મારવો ? લારીના ‘માલિક’ની રાહ જોતો હું ત્યાં જ ઉભો રહ્યો. થોડી જ વારમાં એક પતિ-પત્ની હાથમાં ચાનો નાનકડો પ્લાસ્ટિક કપ લઈને લારી તરફ દોડ્યા.
તેઓ ‘લારી’ તરફ દોડ્યા કે ‘મારી’ તરફ, એ મને ત્યાં સુધી ન સમજાયું જ્યાં સુધી તેમણે બહું વિનમ્રતાથી એ લારી હડસેલીને મારી ‘સુંવાળી’ કારથી દૂર મૂકી દીધી. એ પતિ-પત્નીએ ‘ચા’ પીતા પીતા મારી ગાડી કાઢવા માટે જગ્યા કરી આપી.
આમ જોઈએ તો આ બહુ Insignificant ઘટના કહેવાય. પણ આ પૃથ્વી પર જેટલા લોકો આપણને જગ્યા કરી આપે, આપણી માટે તો એ બધા જ મહત્વના. મને એ કુટુંબમાં રસ પડ્યો. ગાડીમાં બેસવાને બદલે, તેમની પાસે જઈને મેં પૂછ્યું, ‘તમારી લારી છે ?’
ચાની ચુસકીઓ લેતા એ યુગલે કહ્યું, ‘હા, સાહેબ.’
‘તમારા બાળકો છે ?’
‘ત્રણેય અમારા છે.’
‘શું કામ કરો છો ?’
‘ભંગાર વેચીએ છીએ.’
આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. જે વસ્તુઓ આપણે ભંગારમાં નાખી દેતા હોઈએ, એ વસ્તુઓ કોઈની આજીવિકાનું કારણ બની જાય, તો આ આખી વ્યવસ્થા જ કેટલી વિચિત્ર કહેવાય. કોને ખબર છે, યાર ?
ઈશ્વરની લારીમાં કદાચ આપણે પણ કર્મોને આધારે આવી રીતે ‘ભંગાર’ થઈને વેચાતા હોઈએ ! કદાચ, એ લારીમાં આપણે વેચાતા હોઈએ, તો એક માણસ તરીકે આપણો કેટલો ભાવ આવે ? આપણા મૂલ્યો, કર્મો અને આચરણને આધારે આપણને કોણ ખરીદે ?
જો માણસ તરીકે અવતાર લીધા પછી પણ મૃત્યુ પામીને ‘રિસાયકલ બિન’માં જ જવાનું હોય, તો એનો અર્થ એ થયો કે આ આખો અવતાર ‘ભંગાર’માં ગયો. જો કુદરતના દરબારમાં આપણા ઓક્શન વખતે, કોઈ આપણને ખરીદવાની ઈચ્છા જ ન બતાવે અને આપણે ‘અન-સોલ્ડ’ રહીએ, તો ફરી પાછી એકડે એકથી આ આખી મથામણ કરવાની ? ફરી જન્મ લેવાનો, ફરી કર્મો કરવાના, ફરી બ્રમ્હાંડને ઈમ્પ્રેસ કરવાનું કે ‘તમારી ટીમમાં અમને સિલેક્ટ કરોને !’
અને બ્રમ્હાંડના સિલેક્ટર્સ આપણા ‘કાર્મિક એકાઉન્ટ્સ’ પર એક નજર ફેરવતા ફેરવતા કહે, ‘આ વખતે મેળ નહીં પડે. નેક્સ્ટ સિઝનમાં તમારું પરફોર્મન્સ જોઈને નક્કી કરીએ.’
આ જ વિચારને કારણે મેં તેમની સાથેનો વાર્તાલાપ શરૂ રાખ્યો. રાતનો સમય હોવાથી મેં તેમને પૂછ્યું,
‘કાંઈ ખાધું કે નહીં ?’
માથા પર ઓઢેલી સાડી સરખી કરતા કરતા બાળકોની મમ્મીએ મને કહ્યું, ‘ઘેર જઈને રાંધશું.’
એમના ઘરે ‘રાંધવાનું’ હશે કે નહીં, એ બાબતે મને શંકા હતી.
મેં પૂછ્યું, ‘ઘર ક્યાં છે તમારું ?’
રસ્તાની પેલે પર આવેલી ફૂટપાથ તરફ ઈશારો કરીને મને કહે, ‘આ હામે (સામે).’
ત્યારે મને રીયલાઈઝ થયું કે કોઈ ‘જગ્યા’ને ઘર કહેવા માટે, તેની આસપાસ દીવાલો હોવી જરૂરી નથી. જે સ્થળ પર સ્થાયી થઈ જાવ, એ જ તમારું ઘર.
ભૂખ્યા પેટે લારી પર સૂતેલા બાળકોને જોઈને, મારા વોલેટમાંથી એક નોટ કાઢીને મેં એ યુગલને આપી અને કહ્યું, ‘જમી લેજો.’
એ નોટ પોતાના ખિસ્સામાં મૂકીને, પોતાના એક બાળકના માથા પર હાથ ફેરવતા ફેરવતા પિતાએ કહ્યું, ‘આમને કંઈક ખવડાવી દેહુ (દેશું).’
‘અને તમે ?’ મેં પૂછ્યું.
એકબીજાની સામે જોઈને સ્માઈલ કરીને, એ દંપતીએ મને કહ્યું, ‘અમે તો ચા પી લીધી ને ! હવે ભૂખ નો લાગે.’
એક મહાન કાર્ય કર્યાના ઉપકારભાવ સાથે, મારી જાતને દાનવીર કર્ણ સમજતો હું ગાડીમાં બેઠો. થોડે આગળ પહોંચ્યા પછી મને એ યુગલે કહેલા વાક્યનો અર્થ સમજાયો. ‘અમે તો ચા પી લીધી ને ! હવે ભૂખ નો લાગે.’
થોડા જ કલાકો પહેલા મારા હોસ્પિટલ સ્ટાફે મને ઓફર કરેલી ચા, મેં એવું કહીને રિજેક્ટ કરી દીધેલી કે ‘ચા પી લઈશ તો ભૂખ નહીં લાગે.’
ત્યારે મને રીયલાઈઝ થયું કે સ્ટીયરીંગ વ્હીલ મારા હાથમાં છે, એટલું જ. મને ડ્રાઈવ તો કોઈક બીજું જ કરી રહ્યું છે. ‘ચા ન પીવી’, એ કેટલાક લોકો માટે પસંદગી હોય છે જ્યારે ‘ચા પી લેવી’ એ કેટલાક લોકોની મજબૂરી. જ્યાં સુધી આવા પસંદગીકારો પેલા મજબૂર લોકો સુધી પહોંચ્યા કરશે, ત્યાં સુધી કદાચ આ જગત ચાલ્યા કરે.
-ડૉ. નિમિત્ત ઓઝા
દરેક સારા વિચારો એટલે કે કર્મો ધ્યાન કેંદ્રિત આપમેળે થતાં રહે છે. નાની નાની કોઈપણ વહેંચણી કરેલી ખુશી હરીફરી ને પુનઃ મળે છે. જેવી રીતે આપ શ્રી નો self healing treatment લેખ જુદા જુદા ત્રણ સ્ત્રોત થી ફોરવર્ડ થયો અને વાંચ્યો. આમ ખુશીઓ થી જગત ચાલ્યા કરે છે. સત્ય હકીકત છે.
LikeLiked by 1 person
Bahu j Saras lakhiu che saheb…….touching story……jindgi nu importance samjavi jai che 👌👌👌
LikeLiked by 1 person
Reality of life. Every emotion and situation in life is relative. Right from birth to death. To some fulfillment of necessities is itself luxury and to some even luxuries are also not satisfying.
Heart Touching indeed
LikeLiked by 1 person