આપણે હજુય શું કામ જીવી રહ્યા છીએ ? એનો જવાબ આપણી કોઈ પાસે નથી. ‘કોઈ જીવલેણ બીમારીથી તમારું મૃત્યુ શું કામ ન થવું જોઈએ ?’ એવો સવાલ જો કુદરત આપણને પૂછે, તો આપણે નિરુત્તર છીએ. રોજ ભરાઈ રહેલા અસંખ્ય ડેથ સર્ટીફીકેટ્સમાં હજી સુધી આપણું નામ નથી, એ આપણી લાયકાત કે ઉપલબ્ધી નથી. એ ઈશ્વરની ઉદારતા છે. વેન્ટીલેટર પર રહેલો અને ઓક્સીજન માટે વલખા મારતો પેલો જણ આપણે પણ હોઈ શકીએ, એ શક્યતાને સતત ગજવામાં લઈને ચાલવું. આ શક્યતાનું સતત સ્મરણ કરવાના આગ્રહ પાછળનું કારણ નકારાત્મકતા કે નિરાશાવાદ નથી પણ નમ્રતા છે.

સ્વાસ્થ્ય, સંપત્તિ, સમૃદ્ધિ કે સિદ્ધિથી ફુલી ગયેલી છાતીમાંથી હવા કાઢવા માટે નિયતિની એક નાની એવી ટાંકણી જ પર્યાપ્ત હોય છે. એ વાગે ત્યારે હથેળીઓ ખુલ્લી રહી જાય અને શ્વાસ બંધ. કુદરતની જે કુહાડી આપણા સાથી મનુષ્યો પર ફરી વળી, એ કુહાડીએ હજી સુધી આપણને બક્ષી દીધા છે. એ વાતનું ઘમંડ ન હોય, એ માટે કૃતજ્ઞતા હોવી જોઈએ. આવી મહામારીના સમયમાં પણ વધુ એક દિવાળી બતાવીને પરમાત્માએ આપણા પર ઉપકાર કર્યો છે. એ ઉપકારનો બદલો આપણે ચૂકવવો રહ્યો. બાકી બચેલા મનુષ્યોને મદદ કરીને, તેમને યથાશક્તિ રાહત આપીને, તેમના ચહેરા પર સ્માઈલ લાવીને, તેમની એકલતા દૂર કરીને અને તેમને હૈયાધારણા આપીને.

એવા કેટલાય ઘર હશે જ્યાં આ દિવાળીએ ખોટ અને ખાલીપાના દીવા થશે. જ્યાં સ્વજનના વિરહની ઉદાસી રંગોળી કરશે. જ્યાં આંખોમાં આંસુઓના બોમ્બ ફૂટશે. ધ્યાનથી જોઈએ તો એવા કેટલાક ઘરના પાડોશમાં આપણું ઘર પણ આવેલું હશે. એમના ઘરમાં રહેલી ઉદાસી આપણા ઘરમાં પહોંચી જાય, એ પહેલા આપણા ઘરમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ આપણે તેમના સુધી પહોંચાડવાનો છે. ‘કોરોના’ કરતા પણ વધારે ચેપી કશું હોય તો એ ‘કરુણા’ છે. જે અન્ય પર વીત્યું, એ આપણા ઉપર પણ વીતી શકે છે. આ વિચાર આપણને નમ્ર  રાખશે. જેઓ અકાળે અવસાન પામ્યા છે, એવા કેટલાય લોકોના બાકી રહી ગયેલા શ્વાસ આપણે લઈ રહ્યા છીએ. એમણે નહીં ભોગવેલું આયુષ્ય, આપણે ભોગવી રહ્યા છીએ. અનાયાસે મળી ગયેલા એ જીવતરનું ઋણ ફક્ત કોઈને રાહત આપીને જ ચૂકવી શકાય.

આ પૃથ્વી પર હજુય ટકી રહેલા આપણા અસ્તિત્વનું ભાડું ચુકવવું પડશે. સાથીઓને સહાય અને સહાનુભૂતિ આપીને. જીવતા રાખીને ઈશ્વરે આપણને નમ્ર બનવાનો વધુ એક ચાન્સ આપ્યો છે.

મુહમ્મદ અલીએ કહેલું, ‘Service to others is the rent you pay for your room here on earth.’ આપણે આવા કેટલાય ભાડા ચૂકવવાના બાકી છે.

આપણી આસપાસ રહેલા એટલીસ્ટ કોઈ એક જીવને જો આપણે કમ્ફોર્ટ આપી શકીએ, તો કરી શકીએ દિવાળીનું સેલિબ્રેશન. ઉજવણી કરવી જ છે. એટલા માટે નહીં કે તેઓ નથી કરી શક્યા, એટલા માટે કારણકે આપણે કરી શકીએ છીએ. આપણું એક જેસ્ચર, એક ફોન કોલ, એક મેસેજ, એક મુલાકાત, એક ડોનેશન કોઈની દિવાળી સુધારી શકે છે. આપણે હજુ ફોટોફ્રેમની બહાર છીએ, આ એની ઉજવણી છે.

આપણા શ્વાસ બક્ષી દઈને જે ઉદારતા આ કુદરતે દાખવી છે, એવી જ ઉદારતા હવે આપણે દેખાડવાની છે. વાત તો સોશિયલ ડીસ્ટન્સીંગની થઈ છે, ઈમોશનલ ડીસ્ટન્સીંગની નહીં. સદગતના સ્વજનોની ખોટ, તેમણે અનુભવેલો ખાલીપો અને આ જગતમાં પ્રવર્તમાન તમામ અભાવો સાથે એકવાર આપણી જાતને રીલેટ અને કનેક્ટ કરી જોઈએ. પછી કરીએ સેલિબ્રેશન.

આપણે નથી જાણતા કે આ શ્વાસની રમત ક્યાં સુધી ચાલશે? પણ એક વાત તો નક્કી છે. ઘરમાં કરેલા દીવામાંથી અન્ય એકપણ દીવડો ન પ્રગટે તો ખામી આપણી જ્યોતમાં નહીં, નિયત કે નિસબતમાં હોવી જોઈએ.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

One thought on “

  1. પ્રભાવશાળી રાજ કરે છે. કોરોના કરતાં વિશેષ ચેપી કરુણા છે. તેથી કરુણા દ્વારા, ઉમંગ અને ઉત્સાહ ફેલાવી, કોઈના જીવન દીપ માં આશાવાદ નું અજવાળું પ્રગટાવી દિલથી કરેલી તહેવાર ઉજવણી ભવ્ય. વાહ. ગમતાં નો કરીએ ગુલાલ સમ…વાણી થી વક્તવ્ય : ધનતેરસ વધુ જીવંત અને અર્થપૂર્ણ.💐🙏🏻 શુભેચ્છા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: