પ્રેગ્નન્સી દરમિયાન ફોટોશૂટ નહીં કરાવો, તો ચાલશે. પણ ગિજુભાઈના પુસ્તકો વાચજો. સૂર્યમૂખીએ કઈ દિશામાં અને કેટલું ઊગવું જોઈએ ? એવું માર્ગદર્શન આપનારા વાલીઓએ યુદ્ધના ધોરણે ગિજુભાઈને વાચવાની જરૂર છે.

જેમણે બાળ-ઉછેર અને બાળ-શિક્ષણના સિદ્ધાંતો બદલી નાંખ્યા, જેમણે બાળ-કેળવણીના ક્રાંતિકારી વિચારો આપ્યા, જેમણે પોતાની છાતી ચીરીને બતાવી દીધું કે એક પુરુષની અંદર પણ માતૃત્વ રહેલું હોય છે, એ ગિજુભાઈનો આજે જન્મ-દિવસ છે.

આ વાત છે આપણી કલ્પના અને ગજા બહારના એક મહામાનવની. એક મહાત્માની. મહાત્મા બધેકા. જ્યાં સામાન્ય માણસની સમજણ પૂરી થાય છે, ત્યાંથી ગિજુભાઈની વિચાર-ક્ષમતા શરૂ થાય છે. આ બ્રમ્હાંડમાં જે આપણે ન જોઈ શક્યા, એ સત્ય અને સમજણ ગિજુભાઈએ આપણને આપી છે. ફક્ત બાળકો જ નહીં, સમગ્ર માનવજાતિ માનવતાના નવા ધોરણો સ્થાપવા બદલ કાયમ ગિજુભાઈની આભારી રહેશે.

ગિજુભાઈ આપણને બાળ-ઉછેર શીખવી શક્યા કારણકે એમનો પોતાનો ઉછેર સરસ રીતે થયેલો. આ જગતને એવા જ લોકો બદલી શકે છે, જેમનો ઉછેર શ્રેષ્ઠ થયેલો હોય છે.

પોતાના પુત્ર સાથે નિશાળમાં થયેલા દુર્વ્યવહારથી તેમનો આત્મા કકળી ઉઠ્યો. ગિજુભાઈએ ત્યાંનું જે દ્રશ્ય જોયું, એ દ્રશ્ય ઈતિહાસ બદલવા માટેનું એક પ્રબળ કારણ હતું. નાનાં બાળકોને મારતા, તેમને ચોંટિયા ભરતા, ગાળો બોલતા શિક્ષકો પાસે પોતાના બાળકનો હવાલો સોંપતાં તેમનો જીવ ન ચાલ્યો.

બસ, આ જ સમયે તેમના હાથમાં ‘મોન્ટીસરી શિક્ષણ પદ્ધતિ’ નામનું પુસ્તક આવ્યું. અને નવી દિશાઓ ખુલી. બાળકોના જીવનની દશાઓ બદલી. એક ‘લાર્જર ધેન લાઈફ’ સુપરસ્ટારની બાળકોના જીવનમાં એન્ટ્રી થઈ અને ઈતિહાસ રચાયો. સૌરાષ્ટ્રના ભાવનગરમાં જન્મેલા એક દિવ્ય અને મહાન આત્મા ગિજુભાઈ ભગવાનભાઈ બધેકાએ બાળ-ઉછેરના ધોરણો બદલી નાંખ્યા. એક નવા યુગની શરૂઆત થઈ. આ એક પુસ્તકે ગિજુભાઈના જીવનની દિશા બદલી નાંખી. ફક્ત એમની જ નહીં, મારા જેવા અસંખ્ય જીવોની. અનેક પેઢીઓની.

મોટાભાઈ એટલે કે એમના મામા, જેમના વ્યક્તિત્વની અસર બાળપણથી ગિજુભાઈના જીવન પર પડી હતી, એ મામાનું આમંત્રણ મળ્યું. આમંત્રણ હતું નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરેલી સંસ્થા શ્રી દક્ષિણામૂર્તિમાં આવીને કામ કરવાનું. ગિજુભાઈને પોતાના જીવનો ઉદેશ્ય મળી ગયો. પોતાના અસ્તિત્વનો હેતુ મળી ગયો. હી ફાઉન્ડ ધ વેરી પર્પઝ ઓફ હીસ લાઈફ. આ આમંત્રણ મળતા જ ગિજુભાઈ દક્ષિણામૂર્તિ જવા નીકળી પડ્યા. અને નાનાભાઈ ભટ્ટે સ્થાપેલા મંદિરમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ.

વકીલાત છોડીને તેમણે સ્વેચ્છાએ પોતાનું જીવન બાળ-કેળવણીમાં સમર્પિત કરી દીધું. વકીલાતનો અભ્યાસ કરેલી વ્યક્તિ, સ્વેચ્છાએ વકીલાત છોડી શિક્ષણમાં પ્રવેશે, એ ઘટના જ કેટલી મંગળકારી છે.

ઈ.સ. ૧૯૨૨માં પોતાની ૩૫ વર્ષની ઉંમરે દક્ષિણામૂર્તિમાં જ તખતેશ્વર પાસેની ટેકરી ઉપર બાલમંદિર શરૂ કર્યું. અને મારા જેવા અસંખ્ય બાળકો માટે આશીર્વાદનું ઘન સ્વરૂપ સ્થપાયું. બાલમંદિરનું ઉદઘાટન કસ્તુરબાના હસ્તે થયું. બાલમંદિરમાં ગિજુભાઈ પોતે શિક્ષક બન્યા.

મોન્ટેસોરીને ગુરુ માની એકલવ્યની ભાવનાથી તેમના વિચારો મુજબ કાર્યસાધના શરૂ કરી. એક સાધકની જેમ બાળ-સેવાની અલખ જગાવી, ધૂણી ધખાવી. દક્ષિણામૂર્તિના પવિત્ર સ્થાન પર ગિજુભાઈ તપ કરવા બેસી ગયા. તનતોડ મહેનત શરૂ કરી. રસ્તાઓ આપોઆપ ખુલતા ગયા. નવી નવી દિશાઓ ખુલતી ગઈ. બાળકોનું અવલોકન કરીને ગિજુભાઈ નવી નવી પદ્ધતિઓ શોધતા ગયા.

તેમણે ચાઈલ્ડ સાયકોલોજી સમજવાનો પ્રયત્ન કર્યો. આજ સુધી જે કરવાની હિંમત, મહેનત અને મથામણ કોઈએ નહોતી કરી, એ કામ ગિજુભાઈએ હાથમાં લીધું.

તેમણે વિચાર્યું, બાળકો પછી ભણાવીશ. પહેલા બાળકોને ભણી લઉં.

તેમણે બાળ-માનસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો, તે વિષય પર સ્વતંત્ર રીતે ગ્રંથો લખ્યા. ગિજુભાઈએ લખેલા શાસ્ત્રોને હું ‘પુસ્તક’ નહીં કહું, એ ગ્રંથો હતા. જે રીતે આપણી માટે ભગવદ્ ગીતા છે, એમ બાળકો માટે ગિજુભાઈના ગ્રંથો છે.

જે રીતે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવતા પહેલા એની પ્રેક્ટીકલ અને થીયરી એક્ઝામ આપવી પડે છે, એવી જ રીતે ‘પેરેન્ટલ લાયસન્સ’ હોવું જોઈએ. જ્યાં સુધી પેરેન્ટલ લાયસન્સ ન મળે, ત્યાં સુધી કોઈ પતિ-પત્નીને મા-બાપ થવાની મંજૂરી ન મળવી જોઈએ. ગિજુભાઈના પુસ્તકો આ ‘પેરેન્ટલ લાયસન્સ’ પૂરું પાડે છે.

પોતાની વાત મનાવવા માટે, બાળકોને શિસ્ત શીખવાડવા માટે કે પોતાનું ધાર્યું કરાવવા માટે પોતાના બાળકો સાથે ધોલ-ધપાટ કરતા વાલીઓને જોઉં છું ત્યારે એમના વતી હું ઈશ્વરની માફી માંગી લઉં છું. આવા લોકો પર ગુસ્સો નથી આવતો, દયા આવે છે. જેમને પોતાને જ કેળવણી નથી મળી, એ બીજાને કેળવણી કઈ રીતે આપી શકશે ? આ આખો વંશવેલો જ સડેલો છે.

વાલીઓ એ નથી જાણતા કે બાળકને મારેલો એક તમાચો કેટલી પેઢીઓ સુધી વાગતો રહે છે !

આપણે ત્યાં સૌથી મોટી વક્રતા એ છે પ્રજનન કોઈપણ કરી શકે છે જ્યારે બાળ-ઉછેર કોઈક જ ! બાળકોને ‘મોટા’ કરવા અને ‘ઉગાડવા’માં તફાવત છે. તેમને પાળવાના ન હોય, તેમને ઉછેરવાના હોય. જો બાળપણથી ચાબુકનો ડર બતાવવામાં આવે, તો સિંહ પણ સર્કસમાં ખેલ કરે છે. એ સિંહને આજીવન એ વાતનું રીયલાઈઝેશન નથી થતું કે પોતે જંગલનો રાજા છે.

બાળકોને જીતવાની ફક્ત એક જ રીત છે, પ્રેમ. બાળકોના જે વર્તનને આપણે ‘અયોગ્ય’ કે ‘અસ્વીકાર્ય’ કહીએ છીએ, એમાંનું મોટાભાગનું વર્તન તેઓ અનુકરણથી શીખ્યા હોય છે. એમની ગેરશિસ્તમાં સૌથી મોટા ભાગીદાર આપણે હોઈએ છીએ.

ગિજુભાઈએ કહેલું કે ‘આપણે શાળાને શિક્ષણનું કારખાનું નથી બનાવવાનું, પણ પ્રયોગશાળા બનાવવાની છે.’

ગિજુભાઈએ પ્રપોઝ કરેલી શિક્ષણ પદ્ધતિને આજની તારીખે પણ આપણે સંપૂર્ણપણે અનુસરી શક્યા નથી. તેમણે કહેલું

-શિક્ષકનું કામ બાળકની અંદર માહિતીઓ ‘ભરવાનું’ નથી

-કોઈ સુપરવાઈઝર ઉપરથી તેના કર્મચારીઓનું નિરીક્ષણ કરતો હોય, એ રીતે શિક્ષકે બાળકોને નથી જોવાના. પોતાનો ઘમંડ છોડીને તેમણે બાળકોની વચ્ચે જઈને તેમની સાથે ભણવાનું છે.

-શિક્ષણ પદ્ધતિમાં ક્યારેય પણ રીવોર્ડ, પનીશમેન્ટ કે ગોખણપટ્ટી ન હોય શકે. શિક્ષણ સંપૂર્ણપણે શિક્ષા, ઈનામ કે ગોખણપટ્ટીથી મુક્ત હોવું જોઈએ. નકામી માહિતીઓનો સંગ્રહ કરવા માટે અને એ માહિતીઓનું પુનરાવર્તન કરવા માટે બાળકોની બુદ્ધિનો દુરુપયોગ ન થવો જોઈએ.

-શિક્ષકે બાળકની આગળ નથી રહેવાનું. તેમને આગળ રાખીને શિક્ષકે તેમની પાછળ રહેવાનું છે. પોતાના નોલેજથી શિક્ષકે બાળકોને અભિભૂત નથી કરવાના. તેમને આંજી દેવાના નથી. શિક્ષકોનું કામ ‘સ્વયં-શિક્ષણ’ પ્રસ્થાપિત કરવાનું છે. બાળકોને વિચારતા કરવાનું છે.

-બાળકોને ભણાવવા કરતા, તેમનું અવલોકન કરવું વધારે જરૂરી છે. તેમની સામે બોલવા કરતા, તેમની સામે ચુપ રહીને તેમને સાંભળવા મહત્વનું છે. બાળકોની રૂચી શેમાં છે ? એમને શું ગમે છે ? એ સાંભળવાનું છે. બાળકને પ્રોત્સાહન આપવાનું છે.

બાળ-શિક્ષણ અને કેળવણીમાં સૌથી મોટી ક્રાંતિ ત્યારે આવી જ્યારે તેમણે બાળકના સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે બાળક એક સ્વતંત્ર જીવ છે, તેને પોતાની સ્વતંત્ર અનુભૂતિ અને અભિવ્યક્તિ છે. બાળકના દરેક ગમા-અણગમા પાછળ કારણો હોય છે. શિક્ષકે આ કારણો શોધી કાઢવાનાં છે. બાળકની પસંદગીને આદર આપવાનો છે.

પ્રત્યેક બાળકને પોતાની વિશેષ શક્તિઓ અને લાગણીઓ હોય છે. બાળકની દરેક પ્રવૃત્તિ તેના ભવિષ્ય માટેનો સંદેશો આપે છે. બાળક પોતાને ગમતી કોઈ એક પ્રવૃત્તિ દ્વારા તમને કન્વે કરવા માંગે છે કે એણે આ જગતમાં શું કામ અવતાર લીધો છે ? પોતાની પ્રવૃત્તિઓ દ્વારા એ આપણને એને ઈશ્વરે ‘એસાઈન’ કરેલો કે સોપેલો પર્પઝ દર્શાવવા માંગતું હોય છે. બાળકની પ્રવૃત્તિઓમાં રહેલો આ સંદેશો આપણે ઝીલવાનો છે.

બાળક પ્રવૃત્તિમય રહે છે. એ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. તેની આ પ્રવૃત્તિ પાછળ તેના અંતરાત્માની ભૂખ જવાબદાર છે. પોતાની અંદર રહેલી ભૂખને સંતોષવા માટે બાળક પ્રવૃત્તિશીલ બને છે અને પ્રવૃત્તિ કરતાં-કરતાં જ શીખે છે.

કોઈ બીજો માણસ કોઈને શીખવી નથી શકતો. દરેક બાળક પોતાની અંદર એક વિશિષ્ટ ખાસિયત, લાક્ષણિકતા કે પ્રતિભા લઈને જ જન્મે છે. એક વાલી કે શિક્ષક તરીકે આપણું કામ બાળકમાં રહેલી ટેલેન્ટના કોડવર્ડને સમજવાનો હોય છે. બાળકને ‘ડિકોડ’ કરવાનો હોય છે.

બે હાથ જોડીને હું દરેક વાલીને વિનંતી કરીશ કે ગિજુભાઈના પુસ્તકો વાચો અને વસાવો. એમાં બાળ-ઉછેરની ચાવી છે. જો એ પુસ્તકો મેળવવામાં તમને કોઈપણ અડચણ આવે, તો મારા ફેસબુક કે ઈન્સ્ટા એકાઉન્ટ પર મને મેસેજ કરો.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

5 thoughts on “

 1. Hello Dr. Oza,
  Very glad to have read your very informative and well articulated article on Gijubhai – received via a Whatsapp forward.
  I am Ashit Pathak (Vadodara) – Gijubhai’s dohitra.
  Next time when I am in Bhavnagar, me and my wife would love to call on you.
  Thank you !
  Warm regards.

  Liked by 1 person

 2. મારી આંખ જાણે નવા વર્ષે આ નૂતન સંદેશ થી વધુ સતેજ થઈ. સાચી જાણ હોવા છતાં આ પરીક્ષા પદ્ધતિ માં અટવાતા અને ગૂંચવાઈ ગયા છીએ. શિક્ષણ કમિટી માં ઓઝા સર જેવાં એક નિમિત્ત નિર્માણ ની તાતી જરૂર છે.

  Liked by 1 person

 3. I am not pro Montessori or anti normal school, but my son started very early with Montessori School. As I m homeschooling him now i read 2_3 books on Montessori as well as Indian philosophy of education.
  Gujjubhai was one among top influencers and Great indian philosophers in Indian history along with Abdul kalam n sarvapallavi radhakrishnan.

  It’s again an apt guidance by you.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: