‘તમારું ધ્યાન રાખજો’ એ સલાહ કે આદેશ નથી, તે એક નિસબત છે. આપણે જ્યારે કોઈને પોતાનું ધ્યાન રાખવાનું કહીએ છીએ, ત્યારે એ વ્યક્તિને જવાબદારી નથી સોંપતા. એ વ્યક્તિને પ્રેમ કરવાની કબુલાત કરીએ છીએ. આ માટીનું શરીર લઈને ફર્યા કરો છો, તો કોઈપણ વરસાદમાં ધોવાણ થઈ જવાની શક્યતા છે. માટે તમારું ધ્યાન રાખજો. એક તો કાગળ જેવું જીવતર લઈને અમને મળ્યા છો, અને વિપરીત સંજોગોના વાવાઝોડાની આગાહી બારેમાસ હોય છે. માટે તમારું ધ્યાન રાખજો.
આંખો સામે રહેલા અસંખ્ય અપરિચિત ચહેરાઓની ભીડમાં તમારો ગમતો ચહેરો ક્યાંય ખોવાય ન જાય. માટે તમારું ધ્યાન રાખજો. ફેફસાં ભલે અમારી પોતાની માલિકીના રહ્યા પણ તમારી હાજરીને કારણે શ્વાસની અવરજવર થોડી વધારે સગવડભરી બને છે. માટે તમારું ધ્યાન રાખજો. આજની મુલાકાત અધૂરી રહી છે. તમને કહેવાની કેટલીય વાતો શર્ટના ખિસ્સામાં સાચવીને રાખી છે. અનિશ્ચતતાઓ અને અજંપાભરી દુનિયામાં થોડી નિરાંત લઈને ફરી એકવાર તમને મળવું છે, માટે તમારું ધ્યાન રાખજો.
જીવતર પણ કોઈ અખબારના પાનાંની જેમ ઘટનાઓથી ભર્યું પડ્યું છે. આ ઇવેન્ટફૂલ જીવતરના કેટલાય પ્રસંગો તમારી સાથે શેર કરવાના બાકી છે. માટે તમારું ધ્યાન રાખજો. તમારું ધ્યાન એટલા માટે રાખજો કારણકે તમારા કરતા અમને તમારી વધારે જરૂર છે. આ પૃથ્વી પર તમારી હયાતી અનિવાર્ય રહેશે. રોજ મળીએ કે ન મળીએ પણ તમારી સાથે એક આકાશ નીચે રહેવાનો અમને ગર્વ છે. ઈચ્છા હોવા છતાં પણ તમારી સાથે નથી રહી શક્તા. અમે નથી રાખી શક્તા માટે તમે તમારું ધ્યાન રાખજો.
ભવિષ્યકાળ તરફ જતો દરેક રસ્તો બહુ લપસણો છે. ક્યારે કોણ પડી જશે ? એ કહેવાય નહિ. તમારા વગર ચાલી તો શક્યા પણ તમારા વગર જીવવું જો પડે, શક્ય છે કદાચ રહેવાય નહિ. તમને ઘણું બધું કહેવાનું હતું અને કશું જ કહી નથી શક્યા, માટે તમારું ધ્યાન રાખજો. જાહેર રસ્તા પર જીવાતી જિંદગીમાં તમે એક ઘટાદાર વૃક્ષ જેવો અંગત સંબંધ છો. જીવતરની મુશ્કેલીઓમાં તમારી હાજરી અમને પોર્ટેબલ છાંયો આપે છે. ઘણીવાર કોશિશ કરી પણ નથી કહી શક્તા કે તમે કેટલા ગમો છો. હવે જ્યારે મળીએ ત્યારે એવું કશુંક કહી શકાય, માટે તમારું ધ્યાન રાખજો. ઘણા વાક્યોનું અર્થઘટન પ્રેમ થતું હોય છે. તમે એ સમજી ગયા છો માટે તમારું ધ્યાન રાખજો.
-ડૉ. નિમિત્ત ઓઝા
એકદમ સાચી વાત છે પોતાના પ્રત્યે નો પ્રેમ આપણા ઈચ્છવા છતા જ્યાં આપણે ધ્યાન
ન રાખી શકીએ ત્યાં એ વ્યક્તિ પોતે પોતાનું ધ્યાન રાખી આપને પણ ક્ષેમકુશળ
જણાવે તેવો ભાવ હોય છે આ નાનકડા શબ્દ માં.
LikeLike
Award winning evevts invite lifepower. These are the turning points. Carefullness makes views clear, Bright and Easy. So take care for health, dreams and get great success.
LikeLike