હમણાં એક આર્મી ઓફિસર જોડે વાત થઈ. હું એમને પૂછતો’તો કે દુશ્મનો કે આતંકવાદીઓ સામે લડાઈ કરતી વખતે જ્યારે સામેથી ગોળીઓનો વરસાદ થતો હોય ત્યારે મૃત્યુનો ડર નથી લાગતો ? એમનો જવાબ સાંભળીને મને એવું લાગ્યું કે હકીકતમાં આપણે એમને ‘ફોલો’ કરવા જોઈએ. એમના ફેસબુક પેજ, એમના બ્લોગ, એમની વાતો વાચવી અને સાંભળવી જોઈએ. આ દેશમાં ખરેખર કોઈને ‘સેલીબ્રેટ’ કરવા જેવા હોય, તો એ સરહદ પરના જવાનો છે. ગાંજો અને અફીણ લેતા ‘So called’ બોલીવુડ સેલીબ્રીટીઝને આપણે જેટલા ગ્લોરીફાય કરીએ છીએ, એટલું જ મહત્વ જો આપણે રીઅલ લાઈફ હીરોઝને આપીએ, તો એક્ચ્યુઅલી આ દેશ બદલી શકે છે.
એ આર્મી ઓફિસરે મને કહ્યું, ‘અમે બહુ દૂરનું નથી વિચારતા. અમારું લક્ષ્ય ફક્ત આવનારી ક્ષણમાં સર્વાઈવ કરી જવાનું હોય છે.’
એ ઓફિસરે બહુ કેઝ્યુઅલી કહી દીધેલી આ વાત પાછળ એક ગહન ફિલોસોફી છે. સર્વાઈવ કરવાની આ ટેકનીકને ‘ટનલ વિઝન’ કહેવાય છે. કોરોનાકાળમાં આ ‘ટનલ વિઝન’ જ આપણને સર્વાઈવ થવામાં ઉપયોગી થશે. થોડું વિસ્તારથી સમજીએ.
એ વીવીએસ લક્ષ્મણ હોય કે રાહુલ દ્રવિડ, લાંબી ઈનિંગ્સ રમી શકવા પાછળનું રહસ્ય એક જ હોય છે. ઓસ્ટ્રેલીયા કે ઈંગ્લેંડની પેસ અને બાઉન્સ ધરાવતી ગ્રાસી વિકેટ પર લાંબો સમય ટકી રહેવા માટે ટેલેન્ટ કરતા વધારે જરૂર ટેમ્પરામેન્ટની હોય છે. ટેસ્ટ મેચમાં અત્યાર સુધી જેટલા પ્લેયર્સ મેરાથોન ઇનિંગ્સ રમ્યા છે, ગેમ પ્રત્યે એ દરેકનો એપ્રોચ એક જ રહ્યો છે. ‘આટલી લાંબી ઇનિંગ્સ કઈ રીતે રમી શક્યા ?’ એ પ્રશ્નનો દરેક ખેલાડીએ એક જ જવાબ આપ્યો છે, ‘વી અપ્રોચ્ડ ધ ગેમ બોલ બાય બોલ.’ એટલે કે એમનું ફોકસ ફક્ત આવનારી ડિલીવરી સર્વાઈવ કરવાનું હતું. તેઓ એનાથી આગળનું વિચારતા નહોતા.
આ ‘ટનલ વિઝન’ છે. આ સર્વાઈવલ ટેકનીક ફક્ત ક્રિકેટમાં જ નહીં, યુદ્ધના મેદાન અને જિંદગીની લડાઈમાં પણ ઉપયોગી છે.
Whenever in danger, just lower your gaze.
આપણે જ્યારે પણ કોઈ મોટા સંકટ કે ભયજનક પરીસ્થિતિમાં હોઈએ ત્યારે બહુ દૂર સુધી જોવા કે વિચારવાને બદલે આપણી સામી રહેલી તત્કાલીન ક્ષણ ઉપર ફોકસ કરવું. અંધારું વધારે બિહામણું લાગે ત્યારે હેડલાઈટ્સ ‘ડીપર’ રાખવાને બદલે આપણી તદ્દન નજીક રહેલા રસ્તા પર રાખવી. બહુ દૂર સુધી ફેલાયેલી નજર અનિશ્ચિતતા અને અજંપાને જન્મ આપે છે.
એ ક્રિકેટની બાઉન્સી વિકેટ હોય કે જીવનની વિકટ પરીસ્થિતિઓ, સર્વાઈવ થવા માટેનો મંત્ર એક જ છે. ‘મોમેન્ટ ટુ મોમેન્ટ’ અવેરનેસ. કોરોના સામેની લડતમાં લાંબો સમય ટકી રહેવા માટે આપણે પણ ‘ટનલ વિઝન’ કેળવવું પડશે. આવતીકાલ કે ભવિષ્યની ચિંતાઓ કરવાને બદલે આપણું ફોકસ માત્ર આ ક્ષણમાં સર્વાઈવ થવાનું હોવું જોઈએ. રોજ સવારે આપણા દરેકનું લક્ષ્ય બસ આજનો દિવસ સર્વાઈવ કરવાનું છે. કોરોના સામેની ટેસ્ટમાં ટકી રહેવા માટે આપણે પણ એ જ ટેકનીક અપનાવવી પડશે.
‘બોલ બાય બોલ, સેશન બાય સેશન.’
આપણને ડર અનિશ્ચિતતાનો હોય છે. આપણા ઈનર સર્કલમાંથી કોઈનો કે પછી આપણો પોતાનો રીપોર્ટ પોઝીટીવ આવે ત્યારે આપણે અચાનક નેગેટીવ થઈ જતા હોઈએ છીએ. ‘નેગેટીવીટી બાયાસ’થી પીડાતું આપણું મન વેન્ટીલેટર અને મૃત્યુ સુધીના વિચારોમાં પહોંચી જાય છે. આપણે એટલી બધી નકારાત્મક શક્યતાઓ વિચારવા લાગીએ છીએ કે પછી આપણા જીવનમાં કોવીડના રીપોર્ટ સિવાય કશું જ પોઝીટીવ નથી રહેતું. આપણા મગજમાં રહેલી આ શક્યતાઓ અને ડર આપણને વધારે બીમાર કરે છે. પરીસ્થિતિ સામે નહીં પણ આપણા મનમાં ચાલતા વિચારો સામે થાકી જઈને આપણે સરેન્ડર કરી દઈએ છીએ. જે મન કાબુમાં રાખી શકે છે, એ સર્વાઈવ કરે છે. બાકીના સરેન્ડર.
પીડા કે મૃત્યુની અનિશ્ચિતતા સામે જીતવાનો માર્ગ એક જ છે. સામે રહેલી નિશ્ચિત અને વર્તમાન ક્ષણનો સામનો કરવો. કારણકે ભય હંમેશા ભવિષ્યનો જ હોય છે, વર્તમાનનો નહીં. જો હિંમત અને હકારાત્મકતાથી આ ક્ષણ જીવી ગયા, તો આવનારી ક્ષણ પણ જીવી જ જઈશું. આપણે ધારી લીધેલું હોય એવું અને એટલું નેગેટીવ કશું જ આપણી સાથે બનવાનું નથી. કોરોનાને હરાવવા માટે આપણે એના રીપોર્ટ કરતા વધારે પોઝીટીવ થવું પડશે.
-ડૉ. નિમિત્ત ઓઝા ( પુસ્તક ‘શ્વાસની સેરેન્ડીપીટી’માંથી )
પહેલાં like કરવું કે શેર કરવું કે પછી પુનઃ વાંચવું અવઢવ થઈ. હમેશ જેમ. જાણે એર કન્ડિશન રૂમ ની ભુલાઈ ગયેલી બારી ખુલી,
બંધિયાર હવા નું સ્થાન શીતળ, તાજી હવા અને સૂર્ય પ્રકાશે લઈ લીધું. અનાયાસે પ્રાણાયામ જેવું પ્રાણવાયુ સભર.
LikeLiked by 1 person
I completely agree , however , in this economized world everything is planned based on short term n long term goals. Organizations , countries and economies all focuses on long term plans. With surroundings being uncertain and unpredictable it’s difficult not impossible to focus on moment.
A good reminder .
LikeLiked by 1 person