આપણા હાર્ટ-બ્રેક પછી આપણું ‘એક્સ’ પાત્ર અન્ય કોઈ સાથે હનીમૂન કરવા માટે નીકળી જાય, એ અત્યંત જરૂરી હોય છે. કારણકે પીડાના શિખરે પહોંચ્યા પછી જ આપણી ‘હિલીંગ પ્રોસેસ’ શરૂ થતી હોય છે. મટવા માટે દુખવું જરૂરી છે.
જ્યાં સુધી કશું તૂટતું નથી, ત્યાં સુધી કશું ય ખૂલતું નથી. As Rumi Said, ‘Keep breaking your heart until it opens.’
કોઈના દ્વારા થયેલા તિરસ્કાર, અસ્વીકાર કે પછી નિષ્ફળતાને કારણે જ્યાં સુધી આપણા હ્રદયની દીવાલોમાં તિરાડો નથી પડતી, ત્યાં સુધી હ્રદયની અંદર અજવાળું નથી પથરાતું. ઈજાગ્રસ્ત થવાનું કારણ ગમે તે હોય, પણ ઘાવ જ એ સ્થાન છે જ્યાંથી આપણી અંદર દિવ્ય રોશની પ્રવેશે છે. રૂમીના શબ્દોમાં ‘Wound is the place from where the light enters.’
જીવનની નિષ્ફળતાઓ આપણા ચૈતન્યને ધારદાર બનાવે છે. શરીર પર જેમ જેમ સંજોગો અને સંબંધોના ઉઝરડા પડતા જાય છે, તેમ તેમ શરીરની અંદર રહેલા ઉકરડા ઓછા થતા જાય છે. ‘ઓટો-પાઈલટ મોડ’માં જીવી રહેલા આપણને કોસ્મિક કોન્શિયસનેસ તરફ લઈ જવા માટે હાર્ટ-બ્રેક અનિવાર્ય છે.
દરેક નિષ્ફળતા, દરેક હાર્ટ-બ્રેક, દરેક નિરાશા આપણને આધ્યાત્મિક ઉત્ક્રાંતિના એક આગળના તબક્કે લઈ જાય છે. આ જગતની અલ્પકાલીન ખુશીઓ, ક્ષણભંગુર સંબંધો અને અસ્થાયી જીવમાંથી આપણું ફોકસ જ્યારે અનંત બ્રમ્હાંડ અને વૈશ્વિક ચેતના તરફ મંડાય છે, એ સમય હોય છે જાગૃતિનો.
Change is a very small word. I will call it transformation. જાતમાં બદલાવ લાવવા માટે એક ક્ષણ જ પર્યાપ્ત હોય છે. ગમતી વ્યક્તિ સાથેનું બ્રેક-અપ, છોડી દીધેલી કે છૂટી ગયેલી નોકરી, ‘લવલેસ’ મેરેજમાંથી લીધેલા ડિવોર્સ, કોઈ સ્વજનનું મૃત્યુ કે લાખો રૂપિયાની ખોટ. આપણી અંદર રહેલા આધ્યાત્મિક પરિમાણમાં પ્રવેશવા માટે એક જ દુર્ઘટના પર્યાપ્ત હોય છે. હકીકતમાં, ગાઢ-નિંદ્રામાં રહેલા આપણને આ કુદરત હાર્ટ-બ્રેક દ્વારા જગાડવાનો પ્રયત્ન કરે છે.
હાર્ટ-બ્રેક એ આધ્યાત્મિક જાગૃતિનો વેક-અપ કોલ છે. કુદરતનું એલાર્મ છે.
સહન-શક્તિ અને ગજા બહારનું દુઃખ આપણા જીવનમાં આધ્યાત્મના દરવાજા ખોલવા જ આવેલું હોય છે. ‘Pleasure seeking behavior’ થી ક્યારેય રીયલાઈઝેશન નથી થતું. ફક્ત ઉપરછલ્લા ગલગલીયાં થાય છે. એ બુદ્ધ હોય કે Eckhart Tolle, દિવ્ય રોશની સુધી જવાનો રસ્તો ગાઢ અંધકારમાંથી જ પસાર થતો હોય છે.
ઇટ્સ હાઈ ટાઈમ ! નિષ્ફળતા કે હાર્ટ-બ્રેકને એક નેગેટીવ ઇવેન્ટ ગણવાને બદલે આપણે તેને એક અવસર ગણવો જોઈએ. ઉઠવું અને જાગવું, એ બંનેમાં તફાવત છે. જેમને પીડા નથી થતી, એ પોતાની ઊંઘ પૂરી કરે છે. તેઓ ‘ઉઠ્યા’ કહેવાય. પીડાને કારણે જેમની ઊંઘ ઉડી જાય છે, તેઓ ‘જાગ્યા’ કહેવાય.
આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું
-રમેશ પારેખ
આપણી આસપાસ ઊંઘી રહેલા અસંખ્ય ચહેરાઓ જો આપણને દેખાતા હોય, તો એનો અર્થ એ છે કે આપણે જાગીએ છીએ. મોજ-શોખથી પસાર થઈ રહેલી જિંદગીની SUV સામે, હાથમાં Unpleasant Surprise લઈને ઉભેલી નિયતિનું અચાનક head on collision થાય છે, ત્યારે જાગૃતિના દ્વાર ખુલે છે.
જ્યાં સુધી જીવનમાં અથડામણ અને અકળામણ નથી થતી, ત્યાં સુધી આપણે આ મનુષ્ય-અવતારના હનીમૂન પીરીયડમાંથી બહાર નથી આવી શકતા.
અત્યારે આપણે જે કાંઈ પણ જીવી રહ્યા છે, તે એક કલ્પના છે. Our whole life is a fiction. આપણી વાર્તા પૂરી થયા પછી આપણે જે વિશ્વમાં પ્રવેશીએ છીએ, એ આપણી વાસ્તવિકતા છે. હાર્ટ-બ્રેક આપણને એ વાસ્તવિકતામાં પ્રવેશવાની ‘એડવાન્સ ટીકીટ’ આપે છે. એક ચાન્સ આપે છે, આ ક્ષણભંગુર જીવતરમાંથી જાતને વિથડ્રો કરીને એક અલગ અને કાયમી લોકમાં લઈ જવાનો.
આપણને જેની તીવ્ર ઝંખના હોય, એ ન આપીને અથવા ઝૂંટવી લઈને નિયતિ આપણો ‘મોહ’ તોડવાનો પ્રયત્ન કરે છે. નિર્મોહી બનવાની રેસિપીમાં સૌથી જરૂરી ઘટક ‘તૂટેલા હ્રદયના ટુકડાઓ’ હોય છે.
જેઓ અખંડ રહે છે તેઓ રિસાયકલ થાય છે, જેઓ ખંડિત થઈ જાય છે તેમનું વિલીનીકરણ થાય છે. હાર્ટ-બ્રેક એ પરમની પ્રાપ્તિ તરફનું પહેલું પગથીયું છે. છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરીને જેઓ બેસી જાય છે, તેઓ ફરી પાછા ઊંઘી જાય છે. જેઓ વારંવાર હ્રદય તોડાવવા માટે તૈયાર હોય છે, તેઓ આગળ વધે છે.
કોઈ પીડા નકામી નથી હોતી. દરેક પીડા આપણું શુદ્ધિકરણ કરે છે. આપણને એક વધુ સારો જીવ બનાવે છે. હાર્ટ-બ્રેક આપણને નમ્ર અને નિખાલસ બનાવે છે.
“No tree can grow to Heaven unless its roots reach down to Hell.”
-Carl Jung
જ્યાં સુધી આપણી આસપાસના તમામ જીવો માટે આપણા હ્રદયમાં કરુણા કે સહાનુભૂતિ ઉગતી નથી, ત્યાં સુધી આપણું ચૈતન્ય ‘Under-Construction’ છે એવું માનવું. મહાન આત્માના બાંધકામ માટે બહુ ઊંડો ખાડો ખોદવો પડે છે. જો સમય અને ઉર્જા હોય, તો એ કામ આ જ અવતારમાં પૂરું કરી લેવું.
-ડૉ. નિમિત્ત ઓઝા
સરસ વાત
LikeLiked by 1 person
Here catalist like truths are more colorfull . We like to rise with your each and every thought and flow with this superb events. Thank you very much for this soul rising events. 🙏🏻
LikeLiked by 1 person
Take a bow! Unbelievably super….
As Khalil Gibran says
If you want to experience ecstasy dont complain about suffering…
Sufferings are the gateways to miraculous feelings and divine experiences.
LikeLike