ધ હેજહોગ ડાઈલેમા

જર્મન ફિલોસોફર આર્થર શોપેનહોઅરે પોતાના એક પુસ્તકમાં સૌપ્રથમ આ ઘટનાનો ઉલ્લેખ કરેલો. હેજહોગ એટલે શેળો, જેના શરીર પર કાંટા હોય. શિયાળાની ઋતુમાં ઠંડી સહન ન થવાથી એકબીજાની હૂંફ મેળવવા માટે, શેળા એકબીજાની નજીક આવતા. એકબીજાને વળગેલા રહીને તેઓ ઠંડી સામે રક્ષણ મેળવતા. પણ અલગ થયા પછી તેઓ નોટીસ કરતા કે એકબીજાના કાંટા વાગવાથી તેમના શરીર લોહીલુહાણ થઈ જતા. આ પરીસ્થિતિમાં શેળા મુંઝાયા. જો એકબીજાથી દૂર રહે, તો ઠંડીથી મૃત્યુ પામે અને હૂંફ મેળવવા જાય તો કાંટા વાગે. શેળાની આ મુંઝવણ એટલે ધ હેજહોગ ડાઈલેમા.

આ દ્વિધા માનવ-સંબંધો માટે પણ એટલી જ સુસંગત અને બંધબેસતી છે. જો અળગા રહીએ તો એકલતાની ઠંડી મારી નાંખે અને નજીક જઈએ તો લગાવ લોહી-લુહાણ કરી નાંખે. વારંવાર ઈજાગ્રસ્ત થયા પછી શેળાએ મધ્યમ માર્ગ શોધ્યો. તેઓ નજીક તો આવતા પણ મીનીમમ એટલું અંતર જાળવી રાખતા કે એકબીજાના કાંટા ન વાગે. બે શેળા વચ્ચે રહેલું આ સુરક્ષિત અંતર તેમને ઉષ્મા-યુક્ત અને પીડા-મુક્ત રાખતું.

કોઈને સુરક્ષિત અંતરેથી ચાહવું, એ પ્રેમ-જગતની એક વિશિષ્ટ સિદ્ધિ છે.

લગાવના ઘાવ ઊંડા હોય છે. જે ક્ષણે આપણે કોઈને પ્રિયજન તરીકે સ્વીકારીએ છીએ, એ જ ક્ષણથી આપણે ઈજાગ્રસ્ત થવાની શક્યતાને ઉછેરવા લાગીએ છીએ. ઈમોશનલી હોય કે ફિઝીકલી, દૂર રહેલી વ્યક્તિઓ ઈજા નથી પહોંચાડી શકતી. આક્રમણ એ જ કરી શકે, જે આત્મીય હોય. પીડા પામવા માટે પણ કોઈની નજીક જવું પડે. બખ્તર પહેરીને યુદ્ધ કરી શકાય, પ્રેમ નહીં. એ તો ખુલ્લી છાતીએ જ કરવો પડે, ઈજાગ્રસ્ત થવાની તૈયારી સાથે. ‘હાર્ટ-બ્રેક’ કરાવવા માટે પણ કોઈને થોડો સમય હ્રદય સોંપવું પડે છે. લગાવ અને લાગણીના ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ ‘ફ્રી’માં હાર્ટ-બ્રેક પણ નથી કરી આપતું. એ પ્રેમ હોય કે મિત્રતા, જ્યાં વહાલ છે ત્યાં ‘વલ્નરેબીલીટી’ પણ હોવાની જ.

પ્રેમના એક્સપ્રેસ હાઈ-વે પર પૂરપાટ ઝડપથી દોડતી ચાહતની દરેક ગાડી પર ‘L’ લખેલો હોય છે. (જે લવનો નહીં, લર્નિંગનો હોય છે.) ઓચિંતી બ્રેક મારીને પ્રિયજન કોઈપણ સમયે ‘હાર્ટ-બ્રેક’ કરી શકે છે. એવા સમયે એક્સિડન્ટ થતા અટકાવવાનો એક માત્ર ઉપાય અંતર છે. વધુ પડતી નિકટતા અને આત્મીયતા ‘અકસ્માત-સંભવિત ક્ષેત્ર’નું નિર્માણ કરે છે. પણ સમસ્યા એક જ છે કે હેજહોગની જેમ આપણે પણ વારંવાર લોહી-લુહાણ થયા પછી જ અંતર બાબતે સભાન બનીએ છીએ.

એ વાત મોડી સમજાય છે કે દૂરતા ભાગ્યે જ મોંઘી પડે છે. નિકટતા તો સતત મોંઘી પડે છે. કોઈના એટલા નજીક પણ ન જવું, કે એ આપણને જોઈ જ ન શકે. વધુ પડતી નજીક રહેલી વ્યક્તિઓ દેખાતી બંધ થઈ જાય છે. આ હેજહોગ ડાઈલેમાનો ઉપાય કવિ નિરંજન ભગતે પોતાની એક પંક્તિમાં આપ્યો છે. ‘સાંભળું તારો સૂર, સાંવરિયા એટલો રહેજે દૂર !’ સતત નજરમાં રહેવા કરતા એકબીજાનો અવાજ સંભળાયા કરે, એટલા અંતરે રહેવું. માનવ-સંબંધોની કેટલીક સમસ્યાઓનો એકમાત્ર ઉપાય અંતર હોય છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

3 thoughts on “ધ હેજહોગ ડાઈલેમા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: